જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઇ વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે ત્યારે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પોલીસ અને જામ્યુકોના એસ્ટેટ વિભાગ દ્વારા ઝુંપડપટીઓ હટાવવામાં આવી હતી.
વડાપ્રધાનના જામનગરમાં રાત્રિ રોકાણને લઇ જિલ્લા વહિવટીતંત્ર તડામાર તૈયારી કરી રહયું છે.વડાપ્રધાનના આગમનને લઇ જામનગરના રોડ રસ્તાની મરામત કરી ચકચકાટ કરવામાં આવી રહયા છે. તેમજ ડિવાઇડરોની રેલિંગો સહિત રંગરોગાન પણ કરવામાં આવી રહયું છે. વડાપ્રધાનની મુલાકાત દરમ્યાન જામનગર સ્વચ્છ અને સુદ્રઢ લાગે તેમજ એક અલગ જામનગર બતાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહયા છે. જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા છાશવારે ઝુંપડા હટાવવાની કામગીરી કરવામાં આવે છે. ત્યારે મોદી સાહેબ આવ્યા અને તંત્રને ફરી પ્રદર્શન ગ્રાઉન્ડના ઝુંપડા દેખાયા છે. અને આ ઝુંપડાઓ હટાવવા કામગીરી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગ દ્વારા વડાપ્રધાન સામે સારી છબી દેખાડવા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ઝુંપડા હટાવવામાં આવ્યા હતા. ત્યારે આ ન્યુસન્સ ફેલાવતાં ઝુંપડાઓ તંત્રને સામાન્ય દિવસોમાં શું દેખાતા નથી ? તેમ પણ લોકમુખે ચર્ચાઇ રહયું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અનેક સામાજિક કાર્યક્રમો તેમજ નવરાત્રિમાં ગરબી સહિતના આયોજનો અવારનવાર થતા હોય છે. ત્યારે આવા કાર્યક્રમોમાંથી ચીજવસ્તુઓની ચોરીઓ થતી હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે આ ઝુંપડપટ્ટીને કારણે કાર્યક્રમોના આયોજકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે માત્ર મહાનુભાવોના આગમન વખતે આ દુષણ દુર થાય છે. પરંતુ ત્યારબાદ ફરી પરિસ્થિતિ જેમની તેમ થઇ જાય છે.