જામનગરની જી.જી.હોસ્પિટલ કોઇને કોઇ બાબતે કાયમ ચર્ચા અને વિવાદમાં રહે છે. અસુવિધાઓની ભરમાણને કારણે દર્દીઓના સગાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલમાં જે કામો વોર્ડબોય અથવા તો એટેન્ડન્ટે કરવાના હોય છે તે કામો દર્દીઓના સગા પાસે કરાવવામાં આવે છે. જેને કારણે દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકી ભોગવી પડે છે. જરૂરી દવાઓ, સાધનો, દર્દીઓની હેરફેર, વિવિધ પ્રકારના ટેસ્ટ માટેના તમામ કામો દર્દીઓના સગા પાસે કરાવવામાં આવે છે.
જી.જી.હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓ જો હલનચલન કરી શકતાં ન હોય તો વોર્ડમાં જઇને તેમનો એકસ-રે લેવા માટે હોસ્પિટલમાં પોર્ટેબલ એકસ-રે મશીન રાખવામાં આવ્યું છે. આ મશીન ઓપરેટ કરવા અને તેને દર્દી પાસે લઇ જઇ એકસ-રે લઇ જઇ એકસ-રે લેવાની જવાની હોસ્પિટલ સ્ટાની હોય છે. પરંતુ આ તમામ કામો દર્દીના સગા પાસે કરાવવામાં આવે છે. જે દર્દીને આ પ્રકારના એકસ-રેને જરૂરિયાંત જણાય તેને સૌ-પ્રથમ ડોકટર દ્વારા ચિઠ્ઠી લખી દેવામાં આવે છે. ત્યારબાદ આ ચિઠ્ઠી રૂમ નં.2માં આપવાનું જણાવવામાં આવે છે. ત્યા હાજર રહેલ કર્મચારી દર્દીના સગાના ફોન નંબર નોંધી એકાદ કલાક બાદ દર્દીના સગાને ફોન કરીને બોલાવે છે. અને તેમને પોર્ટેબલ એકસ-રે મશીન જે-તે વોર્ડમાં લઇ જવાનું કહેવામાં આવે છે. એકસ-રે થઇ ગયા બાદ એકસ-રેની પ્લેટ પણ પ્રોસેસ માટે દર્દીના સગાઓએ જ પહોંચાડવી પડે છે.ત્યારબાદ એકસ-રે મશીનને ફરીથી રૂમ નં.2 માં પહોંચાડી દેવાની જવાબદારી પણ દર્દીના સગાના શીરે નાંખી દેવામાં આવે છે ! આ પરિસ્થિતિમાં જો કોઇ દર્દીના સગા-સંબંધી ન હોય તો તેમનું શું? તે એક મોટો પ્રશ્ન છે. નિયમ મુજબ આ તમામ પ્રકારના કામ વોર્ડબોય અથવા તો એટેન્ડન્ટે કરવાના હોય છે. જવાબદાર સતાધીશો દ્વારા આ કામ તેમની પાસે જ કરાવવાના હોય છે. પરંતુ આ તમામ કામ દર્દીના સંબંધીઓ પર ઠોકી બેસાડવામાં આવે છે.
અહીં પ્રશ્ર્ન એમ ઉપસ્થિત થાય છે કે, એકસ-રે જેવી મશીનરી દર્દીઓના સગાઓને કેમ સોંપી શકાય? આ કિંમતી મશીનોની હેરફેર દરમ્યાન જો કોઇ નુકસાન થયું તો જવાબદારી કોની? સરકારી હોસ્પિટલોમાં સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. એનો અર્થ એ નહીં કે, તમામ પ્રકારના કામો પણ દર્દીના સગાઓ પાસે કરાવવાના. આ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવાની જવાબદારી હોસ્પિટલ અધિક્ષકની છે. હોસ્પિટલમાં લાચારીની સ્થિતિમાં દર્દીના સગાસંબંધીઓ આમ તેમ દોડાદોડી અને ભાગાભાગી કરતા જોવા મળે છે. તો બીજી તરફ જેમની આ જવાબદારી છે તેવા કેટલાંક લોકો આરામ ફરમાવતા પણ નજરે પડે છે.