Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસૌરાષ્ટ્રનાં કૃષ્ણ નામના સાંઢ અને બ્રાઝિલ નામનાં દેશ વચ્ચે શું સંબંધ છે?:...

સૌરાષ્ટ્રનાં કૃષ્ણ નામના સાંઢ અને બ્રાઝિલ નામનાં દેશ વચ્ચે શું સંબંધ છે?: જાણો …

- Advertisement -

મહારાષ્ટ્રના પશુ કલ્યાણ અને ડેરી વિકાસ મંત્રાલયે દૂધનું ઉત્પાદન વધારવા બ્રાઝિલિયન ગીર વંશના ચાર સાંઢ અને 1000 ફ્રોઝન સીમેન ડોઝની આયાત કરવાનું નકકી કર્યું છે. રાજયના ડેરી વિકાસ પ્રધાન સુનિલ કેદારે જણાવ્યું હતું કે, બ્રાઝિલથી ગીર વંશના સાંઢની આયાત કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજય બનશે,ફ્રોઝન સીમેન ના 1000 ડોઝ પણ મંગાવશે. રાજયના ગૌ વંશના માદા પશુઓને આ સીમેનના ડોઝ આપવામાં આવશે અને આ યોજના શરૂ કરાશે. બ્રાઝિલિયન ગીર વંશનોએક સાંઢ દર વર્ષે 10-15 હજાર સીમેન આપવાની ક્ષમતા ધરાવે છે. તેથી ચાર સાંઢથી દર વર્ષે સરેરાશ પચાસ હજાર સીમેનના ડોઝ આપશે જે રાજયના ગૌવંશના માદા પશુઓની દૂધ આપવાની ક્ષમતા વધશે અને પશુ પાલકો અને ખેડૂતો માટે દૂધ ઉત્પાદન સસ્તુ થશે.

હાલમાં બ્રાઝિલિયન ગીર વંશના એક સાંઢની કિંમત 15-25 લાખ રૂપિયા સુધીની છે. જોકે, મહારાષ્ટ્રના ડેરી વિકાસ મંત્રાલયે આ યોજના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત બનાવી છે અને આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. ગુજરાતમાં ગીર અને કાંકરેજની જેમ મહારાષ્ટ્રમાં ખિલ્લારી અને ક્રિષ્ના ગૌવંશના પશુઓ છે, ખાનદેશ અને મુંબઇની આસપાસના વિસ્તારોમાં જોવા મળતો દેવની ગૌવંશ સ્વદેશી બ્રીડ છે.

ભારતીય ગૌ વંશની પીઠ પરની ખુંધ એની વિશેષતા છે, જે ભેંસ સહિતના અન્ય દૂધ આપતા પશુઓમાં જોવા નથી મળતી. 1970ના દાયકામાં ભારતમાં દૂધ ઉત્પાદન વધારવા યુરોપિયન હોલિસ્ટિન કાઉ(ગાય જેવા દેખાતા દૂધઆપતા પશુઓ)ની આયાત ચાલુ થઇ અને થોડા જ વર્ષોમાં ભારતના ગૌવંશો સાથેએના મિકસ બ્રીડની શરૂઆત થઇ. આજે ભારતમાં ગીર સિવાયના પ્રદેશોમાં અસલી ગૌવંશ જૂજ બચ્યો છે. આવા મિકસ બ્રીડને આપણે જર્સી તરીકે ઓળખીએ છીએ.
દૂધ ઉત્પાદનમાં ગીર ગાય રોજનું સરેરાશ આઠથી દસ લિટર દૂધ આપે છે જે તમામ ભારતીય ગૌ વંશમાં સૌથી વધુ છે. ભારતમાં યુરોપથી આયાત કરાયેલા હોલિસ્ટિન પશુઓ રોજનું 35થી 40 લિટર દુધ આપે છે પરંતુ તેની જાળવણી મોંઘી છે. ઠંડા પ્રદેશના પશુઓ હોવાથી એને એરકન્ડિશન્ડ શેડમાં રાખવા પડે છે અને તેમની આવરદા ટૂંકી હોવાથી દર ત્રણ વર્ષે બદલવા પડે છે, આ કારણે જ ગોપાલકોના દેશ ભારતમાં દૂધ મોંઘુ છે. છેલ્લા બે દાયકાથી દેશમાં હાઇબ્રીડ કે હોલિસ્ટિન જર્સીનું ચલણ વધ્યું છે જે અને દેશી ગાયો સાથે યુરોપિયન કાઉનું (સિમેન આપીને કરાયેલું) કિસમ બ્રીડ છે જે આપણા દેશના ગરમ વાતાવરણમાં ટકી રહે છે, રોજનું પચીસથી ત્રીસ લિટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. અને તેની જાળવણી અસલી હોલિસ્ટિન કરતા સસ્તી છે.જોકે,સ્વદેશી ગાય સાવ નજીવા ખર્ચે ઓછું પરંતુ શ્રેષ્ઠ સ્વાસ્થ્યપ્રદ દૂધ આપે છે એ હકકીત છે.

ગીરની ગાયો બ્રાઝિલમાં કેમ પહોંચીએના ઇતિહાસ પર એક નજર કરીએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશની સ્વતંત્રતા પહેલા 1940ના દાયકામાં બ્રાઝિલના ડેરી કિંગ સેલ્સો ગાર્સિયા સિડને દસેક ગાયોભેટમાં આપી અને એ ગાયોને બ્રાઝિલનું વાતાવરણ માફક આવી ગયું, ભારતની જેમ કૃષિ પ્રધાન બ્રાઝિલના ડેરી નિષ્ણાંતોએ ગીર ગાયની વિશેષતાઓ પારખી લીધી અને ભાવનગરના મહારાજા પાસે કોરો ચેક આપીને સાંઢની માંગણી કરી. મહારાજાએ એ સમયમાં દસ હજાર રૂપિયામાં પોતાની ગૌશાળામાંથી કૃષ્ણ નામના સાંઢને બ્રાઝિલમાં મોકલ્યો અને બ્રાઝિલ ન્યાલ થઇ ગયું. આજે બ્રાઝિલમાં ભારતીય ગીર વંશની દસ લાખથી વધુ ગાયો છે અને વિશ્ર્વભરમાં સિમેન કે બ્રાઝિલિયન ગાયો વેચીને કરોડો ડોલર કમાય છે. આપણી શ્રેષ્ઠ સંપતિ ગૌ વંશોને આપણે શુદ્ધરૂપે જાળવી ન શકાયા અને હવે બ્રાઝિલ પાસેથી સાંઢ અને સિમેન મંગાવવા પડે એ સ્તરે આવી ગયા છીએ, કે કમનસીબી કહેવી કે રાષ્ટ્રીય શરમ એ પણ વિચારવા જેવું છે.

- Advertisement -

બ્રાઝિલે ગીર ગૌવંશના પહેલા સાંઢ કૃષ્ણાને મૃત્યુ બાદ ટેકસીડર્મી પદ્ધિતિથી નેશનલ મ્યુઝિયમમાં દર્શનાર્થે રાખ્યો છે. અને અદભુત ગાંવંશની ભેટ આપીને બ્રાઝિલને માલામાલ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં મુકાયેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular