કોરોનાની બીજી લહેરમાં મરણતોલ મારથી કણસતા અર્થતંત્રને ચેતનવંતુ કરવાં માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોમવારે ફરી એકવાર આર્થિક રાહતોનાં શ્રેણીબદ્ધ આઠ પગલાંઓ જાહેર કર્યા હતાં. સરકાર દ્વારા અર્થતંત્રને ગતિમાન કરવાં માટે કુલ મળીને 6.29 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરેન્ટી યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું. આમાં પ0 હજાર કરોડ રૂપિયાની લોન ગેરેન્ટી સ્વાસ્થ્ય ક્ષેત્રને અને 60 હજાર કરોડ રૂપિયા અન્ય ક્ષેત્રો માટે રહેશે.
જેમાં નાના કરજદારોને લોનની સુવિધાઓ મળશે. પર્યટન ક્ષેત્રને રાહત આપવા માટે કરવામાં આવેલા ઉપાય અંતર્ગત ટ્રાવેલ એજન્સીને 10 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપવામાં આવશે અને ટૂરિસ્ટ ગાઈડને એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જેમાં 11 હજાર ટૂરિસ્ટ ગાઈડને પણ મદદ કરવામાં આવશે. આ ઉપરાંત આપાતકાલીન લોન ગેરેન્ટી યોજનાને 3 લાખ કરોડથી વધારીને 4.પ લાખ કરોડ કરવામાં આવી છે. તદુપરાંત આત્મનિર્ભર ભારત યોજનાની અવધિ વધારીને 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ ઓછું વેતન મેળવતા કર્મચારીનાં ઈપીએફ અંશદાનનો 24 ટકા હિસ્સો સરકાર જમા કરાવશે. કિસાનો માટે આશરે 1પ000 કરોડ રૂપિયાનાં પ્રોટીન આધારિત ખાતરમાં અતિરિક્ત સબસિડી આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં નવેમ્બર 2021 સુધી પાંચ કિલો અનાજ વિનામૂલ્યે અપાતું રહેશે.
હેલ્થ સેક્ટર સંબંધિત રાહત પેકેજમાં મેડિકલ સેક્ટરને લોન ગેરન્ટી આપવામાં આવશે. હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા અને અન્ય સેક્ટર્સ માટે 60 હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. પેકેજ હેઠળ 100 કરોડ સુધીની લોન 7.95 ટકાના વ્યાજે આપવામાં આવશે. જ્યારે અન્ય સેકટર્સ માટે વ્યાજ 8.25 ટકાથી વધારે નહી રહે.
સૌથી પહેલા યોજનામાં ત્રણ લાખ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી હતી. ઈસીએલજીએસ 1.0,2.0,3.0માં અત્યારસુધીમાં 2.69 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઈસીએલજીએસમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે. એટલે કે હવે યોજનાનો દાયરો વધીને 4.5 લાખ કરોડ રૂપિયા થયો છે. અત્યારસુધીમાં સામેલ કરવામાં આવેલા તમામ ક્ષેત્ર લાભ લઈ શકશે.
ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ નાના કારોબારી, વ્યક્તિગત એનબીએફસી માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટિટયૂટ પાસેથી 1.25 લાખ સુધીની લોન લઈ શકશે. જેનો મુખ્ય હેતુ નવી લોન વિતરિત કરવાનો છે. આ રકમ ઉપર બેન્કના એમસીએલઆર ઉપર વધુમાં વધુ બે ટકા જોડીને વ્યાજ લઈ શકાશે. લોનની અવધિ ત્રણ વર્ષની રહેશે અને સરકાર ગેરન્ટી આપશે. આ યોજનાનો લાભ અંદાજીત 25 લાખ લોકોને મળશે. 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના ઉધાર લેનારા લોન માટે યોગ્ય ગણાશે.
કોરોનાની પહેલી લહેરના કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનથી આમ આદમીથી લઈને કારોબારીઓની સ્થિતિ ડામાડોળ થઈ હતી. રાહત માટે ગયા વર્ષે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ થઈ હતી. હવે આ યોજનાનો વિસ્તાર થઈ રહ્યો છે. વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, સ્કીમને વધારીને 31 માર્ચ 2022 સુધી કરવામાં આવી છે. આ યોજનામા હેઠળ અત્યારસુધીમાં’ 21.42 લાખ લાભાર્થીઓ માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. સ્કીમ હેઠળ સરકાર 15 હજારથી ઓછું વેતન ધરાવતા લાભાર્થીઓ અને કંપનીઓ માટે પીએફની ચૂકવણી કરી રહી છે. સરકાર કર્મચારી-કંપનીના 12-12 ટકા પીએફની ચૂકવણી કરે છે.
કોરોના મહામારીથી પ્રભાવિત રજીસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડ અને ટ્રાવેલ ટુરિઝમ સ્ટેકહોલ્ડર્સને સરકાર આર્થિક મદદ આપશે. જેમાં લાયસન્સ ધારક ટુરિસ્ટ ગાઈડને એક લાખ રૂપિયા અને ટુરિસ્ટ એજન્સીને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોનને 100 ટકા ગેરન્ટી અપાશે. લોન ઉપર કોઈ પ્રોસેસિંગ ચાર્જ નહી રહે.
કોરોનાની મારથી તૂટી ચૂકેલા ટુરિઝમ સેક્ટર માટે નાણામંત્રીએ રાહત આપવા મહત્વનો નિર્ણય કર્યો છે. મોદી સરકાર પહેલા પાંચ લાખ વિદેશી ટુરિસ્ટને મફત વીઝા આપશે. આ સ્કીમ 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે. યોજના હેઠળ 100 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. એક ટુરિસ્ટને માત્ર એક વખત યોજનાનો લાભ મળશે. વિદેશી ટુરિસ્ટોને વીઝા અનુમતિ મળતા જ સ્કીમનો લાભ મળશે. અંદાજીત 1.93 કરોડ વિદેશી પ્રવાસી 2019મા ભારત આવ્યા હતા.
દેશના કિસાનોને 14775 કરોડ રૂપિયાની વધારાની સબસીડિ આપવામાં આવી છે. જેમાં 9125 કરોડ રૂપિયાની સબસીડિ માત્ર ડીએપી ઉપર અપાઈ છે. જ્યારે 5650 કરોડ રૂપિયાની સબસીડિ એનપીકે ઉપર છે. રવિ સિઝન 2020-21મા 432.48 મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. અત્યારસુધીમાં કિસાનોને 85413 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર થયા છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોરોનાથી પ્રભાવિત ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે. શરૂઆતમાં સ્કીમનો લાભ એપ્રિલથી જૂન 2020મા મળ્યો હતો. ત્યારબાદ તેને વધારીને નવેમ્બર 2020 સુધી લાગુ કરવામાં આવી હતી. કોરોનાની બીજી લહેર આવતા મે 2021મા યોજના ફરીથી લોન્ચ થઈ હતી. યોજના હેઠળ 80 કરોડ લોકોને પાંચ કિલો અનાજ નવેમ્બર 2021 સુધી મફત આપવામાં આવશે.