અમેરિકા ઘણાં સમયથી એગ્રી કલ્ચર અને ડેરી પ્રોડકટ માટે ભારતને મોટું બજાર સમજે છે આથી તે ઈચ્છે છે કે તેની ડેરી પ્રોડકટો ભારતમાં આવે પરંતુ, ભારત આવા નોનવેજ મિલ્કને નો એન્ટ્રી કહી રહ્યું છે. ત્યારે અમેરિકાના ડેરી ઉદ્યોગમાં આ નોનવેજ મિલ્ક એટલે શું…જાણીએ..
અમેરિકા અને ભારતના વેપાર ડીલ વચ્ચે કયાંક અવરોધ આવી રહ્યો છે તો તે ડેરી ઉત્પાદનોમાં. કારણ કે, અમેરિકા ઈચ્છે છે કે ભારત ડેરી ઉત્પાદનો માટે દરવાજા ખોલે પરંતુ ભારત આ અંગે કડક પ્રમાણપત્રનો આગ્રહ રાખે છે અને આ અંગે કોઇ છુટછાટ શકય નથી તેવું કહે છે. કલ્પના કરો કે તમે એક ગાયના દૂધમાંથી બનેલું માખણ ખાઈ રહ્યા છો જેને બીજી ગાયનું માસ ખવડાવવામાં આવી રહ્યું છે. અથવા તો ધારો કે તમે પુજા માટે ગાયનું દૂધ ખરીદી રહ્યા છો પરંતુ, તમને ખબર પડે કે આ ગાયોને ચારા તરીકે માંસાહાર ખોરાક ખવડાવવામાં આવ્યો છે તો શું થાય…? ભારત સરકાર દરેક ભારતીયોની સંસ્કૃતિ અને આહાર પસંદગીને પ્રાધાન્ય આપી ભારતની મોટાભાગની શાકાહારી વસ્તીને ધ્યાને લઇને તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયોને માંસાહાર ચારો ખવડાવવાનું વિચારતી નથી.
અમેરિકામાં ગાયોને માંસાહારી ખોરાક ખવડાવવાની પરંપરા છે. ત્યારે ભારત ઈચ્છે છે કે, આવા ઉત્પાદનો પર સ્પષ્ટ સુચના હોય કે અમેરિકાથી આયાત કરાયેલા દૂધ એવી ગાયોમાંથી આવે છે જેને માંસ કે લોહી આધારિત ખોરાક આપવામાં આવ્યો નથી. ત્યારે આ વેપાર કરારમાં સૌથી મોટો અવરોધ ડેરી અને કૃષિ ક્ષેત્રના મુદ્દાઓ છે.
ભારતમાં ડેરી ઉત્પાદનો ફકત ખાવામાં આવતી નથી પરંતુ, તે રોજીંદા ધાર્મિક વિધિઓનો એક અભિન્ન અંગ પણ છે. વિશ્ર્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત નેના લાખો નાના ડેરી ખેડૂતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટોચના સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ભારતે ડેરી ક્ષેત્રમાં કોઇપણ પ્રકારની ઉદારતા દાખવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે આ ક્ષેત્ર 1.4 અબજથી વધુ લોકોની દૈનિક જરૂરિયાતો સાથે જોડાયેલું અને 8 કરોડથી વધુ લોકોને ખાસ કરીને નાના ખેડૂતોને રોજગાર પુરો પાડે છે.
આમ, ખેતી અને પશુપાલન ગ્રામિણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે જેમાં કેટલીક સાંસ્કૃતિક ચિંતાઓ પણ સમાયેલી છે. જેમ કે, ‘નોનવેજ મિલ્ક’ અમેરિકામાં ગાયોને એવા પ્રોડકટ ખવડાવવામાં આવે છે જેમાં ગાયો, સુઅર, માછલી, ઘોડા, મરઘા, બિલાડી સહિતનાનું માસ ખવડાવવામાં આવે છે જેના દ્વારા પ્રોટીન અને લોહીમાં વધારો થાય છે અને પ્રાણીઓનો ઝડપી વિકાસ થાય છે ત્યારે ભારત આવા મિલ્કને ‘નોનવેજ મિલ્ક’ માને છે જેમાં ભારત કોઇ સમાધાન કરી શકે તેમ નથી.


