ભારતમાં પોલીસ દ્વારા લોકોને મદદ કરવાની જગ્યાએ તેમને દબડાવવામાં અને ધમકાવવામાં આવતા હોવાના કિસ્સા સામાન્ય છે. તેવામાં યુપીના બાંદામાં તો પુત્રના અપહરણની ફરિયાદ લખાવવા ગયેલી મહિલાને પોલીસે સવારથી સાંજ સુધી બેસાડી રાખી હતી. પછી ફરિયાદ લખવાની જગ્યાએ મહિલાના ભાઈને જ લોકઅપમાં પૂરી દીધો હતો.આરોપ છે કે, પોલીસે અપહરણ કરવાનો જેમના પર આરોપ હતો તેમના કહેવા પર મહિલાના ભાઈને લોકઅપમાં નાંખી દીધો હતો.
પોલીસ સ્ટેશનમાં થયેલા અપમાન બાદ ઘરે પાછી ફરેલી મહિલાને એટલુ લાગી આવ્યુ હતુ કે, તેણે ફેસબૂક લાઈવ કરીને સુસાઈડ કરી લીધો હતો.આ મહિલાને બે પુત્રીઓ છે , જેમાં એક મોડેલ છે અને ઘણા ફેશન શોમાં ભાગ લઈ ચુકી છે.
આત્મહત્યા કરનાર મહિલાનુ નામ સુધા ચંદ્રવશી રૈકવાર છે.તેમના પુત્ર દિપકનુ શુક્રવારે કેટલાક લોકોએ અપહરણ કર્યુ હતુ.તેમની સામે ફરિયાદ કરવા માટે સુધા ચંદ્રવંશી પોલીસ મથકે ગયા હતા.જોકે પોલીસે ઉલટાની તેમની જ હેરાનગતી કરી હતી.સુધા ચંદ્રવંશીના મોત બાદ તેમના પરિવારજનોએ પોલીસ પર ગુનેગારો સાથે મળીને કામ કરવાનો આરોપ મુક્યો છે.હોસ્પિટલમાં પરિવારજનો અને પોલીસ વચ્ચે ટપાટપી પણ થઈ હતી.