Saturday, December 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયગો કોરોના ગો અને હારશે કોરોના જેવાં ઉખાણાં ભારે પડયા

ગો કોરોના ગો અને હારશે કોરોના જેવાં ઉખાણાં ભારે પડયા

અમેરિકાના પ્રમુખના મુખ્ય તબીબી સલાહકાર ડો.એન્થોનીએ શું કહ્યું ?: વાંચો…

- Advertisement -

કોરોના વિશે યુએસ સેનેટની હેલ્થ, એજ્યુકેશન, લેબર અને પન્શન કમિટીને યુએસના પ્રમુખના મુખ્ય મેડિકલ એડવાઇઝર ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે ભારત આજે ખરાબ હાલતમાં છે તેનું કારણ એ છે કે જ્યારે પહેલા કોરોના મહામારી આવી ત્યારે તેમણે તેના પર વિજય મેળવી લીધો હોવાની ખોટી ધારણા બાંધી લીધી હતી અને લોકડાઉન વહેલો ખોલી નાંખ્યો હતો જેને કારણે કોરોના મહામારીનું નવું મોજું આવ્યું જે આપણે બધા જાણીએ છીએ તેમ અત્યંત વિનાશક છે.

- Advertisement -

જેમના અધ્યક્ષ સ્થાને આ સુનાવણી કરવામાં આવી તે સેનેટર પટ્ટી મુરે જણાવ્યું હતું કે ભારતને વિનાશ વેરી રહેલું કોરોના મોજું યાદ અપાવે છે કે જ્યાં સુધી સર્વત્ર મહામારીનો અંત ન આવે ત્યાં સુધી યુએસમાં પણ મહામારીનો અંત નહીં આવે. ફોચીએ ભારતની હાલત પરથી મેળવેલા બોધપાઠ અંગે જણાવ્યું હતું કે એક મહત્વની બાબત એ છે કે આપણે કદી સ્થિતિને ઓછી આંકવી નહીં.બીજો મહત્વનો બોધપાઠ એ લેવો જોઇએ કે જાહેર આરોગ્યના વહીવટી માળખાને આપણે સતત મજબૂત બનાવતાં રહેવું જોઇએ કારણ કે ઘણાં રોગોને નિયંત્રણમાં લેવાની સફળતા તેના પર નિર્ભર છે.

બીજો પાઠ એ લેવો જોઇએ કે આ વૈશ્વિક મહામારીમાં આપણી જવાબદારી માત્ર આપણાં દેશ પૂરતી જ નહીં પણ અન્ય તમામ દેશોને કોરોનાની રસી મળી રહે તે જોવાની પણ છે.

- Advertisement -

વિશ્વ આરોગ્ય સંસ્થાના કોરોના મહામારી સામેના પ્રતિભાવનો રિવ્યુ કરવા માટે રચવામાં આવેલી સ્વતંત્ર નિષ્ણાતોની પેનલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જે દેશમાં મહામારી ફાટી નીકળે ત્યાં જઇને તપાસ કરવાનો ગેરેન્ટેડ અધિકાર સંસ્થાને આપવો જોઇએ. લાઇબેરિયાના ભૂતપૂર્વ પ્રમુખ ઇલન જ્હોન્સન અને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન હેલેન કલાર્કના વડપણ તળેની આ પેનલે આપેલા અહેવાલની ટીકા કરતાં કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન લેવામાં આવેલા પગલાં માટે હુ તથા અન્યોને જવાબદાર ઠેરવવામાં આ પેનલ નિષ્ફળ ગઇ છે જાણે તેણે તેની જવાબદારી ત્યજી દીધી ન હોય.

દરમ્યાન યુનાઇટેડ નેશન્સ દ્વારા 2021માં ગ્લોબલ આર્થિક પ્રવૃત્તિમાં 5.4 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ મુક્યો છે. ચીન અને યુએસમાં ઇકોનોમી ફરી પાટે ચડી રહી હોવાથી અગાઉ 4.7 ટકા વૃદ્ધિ થવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો તે સુધારીને 5.4 ટકા કરવામાં આવ્યો હતો. જો કે, કોરોનાના વધી રહેલા કેસો અને ઘણાં દેશોમાં કોરોનાની રસી ઉપલબ્ધ ન હોવાથી આ વૃદ્ધિ સાર્વત્રિક નહીં રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. યુએને ચેતવણીના સૂરે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ઇકોનોમીઓ નાજુક અને અચોક્કસ દોરમાંથી પસાર થઇ રહી હોવાથી યુએસ અને ચીનની આર્થિક ગતિવિધિઓ આખી દુનિયાની ઇકોનોમીની વૃદ્ધિ માટે પૂરતી નથી. યુરોપમાં પણ કોરોનાના ત્રીજા મોજાના ભણકારાં વાગી રહ્યા હોવાથી યુરોપની આર્થિક હાલત પણ સારી જણાતી નથી. યુએનની ગ્લોબલ ઇકોનોમિક મોનિટરિંગ બ્રાંચના વડા હમીદ રશીદે જણાવ્યું હતું કે દુનિયામાં હાલ ઘણાં દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને નવા મ્યુટેશનનો ચેપ મોટી વસ્તીને લાગી રહ્યો છે તે મોટા પડકારો છે. તેમણે આર્થિક રિકવરી માટે રસીકરણને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. રસીની અસમાન વહેંચણી એ ગંભીર પડકાર છે.

- Advertisement -

તેમણે જણાવ્યું હતું કે યુએસ ઇકોનોમી આ વર્ષે 6.2 ટકાના દરે અને ચીનની ઇકોનોમી 8.2 ટકાના દરે વિકસશે. દરમ્યાન શ્રીલંકાએ 800 જણાનો ભોગ લેનારકોરોના મહામારીના ત્રીજા મોજાને કાબૂમાં લેવા માટે રાત્રિ કરફ્યુ લાદ્ યો છે. રાત્રે 11 થી સવારે ચાર દરમ્યાન 31 મે સુધી આ નાઇટ કરફ્યુ અમલમાં રહેશે તેમ લશ્કરી વડા જનરલ શવેન્દ્ર સિલ્વાએ જણાવ્યું હતું. શ્રીલંકાના મેડિકલ એસોસિએશને ચેતવણી આપી હતી કે જો વર્તમાન મોજાને ખાળવામાં નહીં આવે તો જાહેર આરોગ્ય તંત્ર પડી ભાંગશે.

દરમ્યાન બંગલાદેશને ચીનની સાઇનોફાર્મ કંપનીની કોરોના રસીના પાંચ લાખ ડોઝ ભેટ પેેટે મળ્યા છે. ચીનથી આ રસીના ડોઝ લઇને ઢાકા આવેલા વિમાનમાં આવેલા ચીની રાજદૂત લી જિમિંગે આ રસી બંગલાદેશના વિદેશ પ્રધાન ડો. એકે અબ્દુલ મોમેનને સોંપી હતી. મોમેને બંગલાદેશ ચીન પાસેથી કમર્શિયલ ધોરણે 40થી 50 મિલિયન ડોઝ મેળવવા માંગે છે તેમ જણાવ્યું હતું. તેમણે બંગલાદેશમાં ચીની રસીનું ઉત્પાદન કરવાની બંને દેશો માટે વિન-વિન સ્થિતિ સર્જવાની દરખાસ્ત રજૂ કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાઇનોફાર્મની રસીને ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવાને પગલે ચીન આખી દુનિયામાં આ રસી વેચી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular