દેશના એમએસએમઈ, રિટેલ, હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રો પર કોરોનાની બીજી લહેરની કેવી અસર પડી છે તેનો અંદાજ મેળવવા રિઝર્વ બેન્કે ખાસ સર્વે હાથ ધર્યો છે. કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યોએ હાથ ધરેલા નિયમનકારી પગલાંને કારણે અનેક ક્ષેત્રોના નાના વેપાર ગૃહો પર તેની પ્રતિકૂળ અસર પડી છે.
કેટલીક બેન્કોને તેમણે નાના વેપાર ગૃહોને પૂરી પાડેલી લોન્સના રિપેમેન્ટની સ્થિતિ ઓળખી કાઢવા સૂચના અપાઈ હોવાનું આરબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું. આ વેપારગૃહો સાથે ઓનલાઈન મીટિંગ કરવા પણ નિર્દેશ અપાયા છે.
બીજી લહેરની સૌથી વધુ અસર કયા ક્ષેત્રો પર પડી છે તેનો રિઝર્વ બેન્ક અંદાજ મેળવવા માગે છે. જે ક્ષેત્રોએ પ્રથમ લહેર વખતે મોરેટોરિઅમ અથવા લોન રિસ્ટ્રકચરિંગનો લાભ લીધો હતો તે ક્ષેત્રો બીજી લહેરમાં પણ સમશ્યાનો સામનો કરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે.
વેપારધંધા પર પડેલી અસરને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોના ટ્રેડરોએ દૂકાનો ખોલવા દેવાની સરકાર સમક્ષ રજુઆત કરી છે. નિયમનકારી પગલાંને કારણે ઉદ્યોગોમાં માલભરાવો થઈ રહ્યો છે અને તેમના કેશ ફલોસ પર અસર પડી છે.
કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ઉદ્યોગજગતને સરકાર રાહત પૂરી પાડવા યોજના ધરાવે છે. એક અંદાજ પ્રમાણે દેશભરમાં 80 ટકા જેટલા સ્ટોર્સ હાલમાં બંધ હોવાનું રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય) દ્વારા જણાવાયું હતું.