સૂચિત બારડ-જામનગર
તજજ્ઞો દ્વારા દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે જ તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. આ ચેતવણી બાદ સમગ્ર દેશમાં કોરોના રસિકરણના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્ય છે. લોકોને રસી લેવા માટે હવે રાજ્યમાં ઓનલાઇન રજીસ્ટ્રેશનથી પણ છુટકારો મળ્યો છે. 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવા રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર-જિલ્લામાં પણ શરૂ થયેલા આ રસીકરણ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ રસિકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારે ત્રીજી લહેર માથુ ન ઉંચકે તે માટે સઘન રસિકરણ ખૂબ જ જરૂરી બન્યું છે. જામનગરમાં રસિકરણમાં લોકો પણ ઉત્સાહભેર જોડાઇ રહ્યાં છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસિકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ આ રસિકરણ અભિયાનને વેગવંતુ બનાવી કોરોનાની ત્રીજી લહેર પૂર્વે લોકો મોટી સંખ્યામાં રસી મેળવી લે તે માટે સહયારો પ્રયાસ હાથ ધરી રહ્યાં છે. ત્યારે જામનગરમાં નાગરિકો પણ હવે ઉત્સાહભેર રસી લેવા માટે રસિકરણ કેન્દ્ર ખાતે પહોંચી રહ્યાં છે.
જામનગરમાં 18 વર્ષથી ઉપરના નાગરિકો સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રસિકરણનો લાભ લઇ રહ્યાં છે. રસિકરણનો બીજો ડોઝ પણ સફળતાપૂર્વક જામનગરમાં લોકો લઇ રહ્યાં છે. આજરોજ જામનગર શહેરમાં રાજ્ય પુરોહિતની વાડી ખાતે આયોજિત રસિકરણ કેમ્પમાં ‘ખબર ગુજરાત’ દ્વારા નાગરિકોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જામનગરના નાગરિકો રસિકરણ અભિયાનને ઉત્સાહભેર વધાવતાં જોવા મળ્યાં હતાં.
આમ, જામનગર શહેરમાં લોકો પણ જાગૃત થઇ રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા સહભાગી થઇ રહ્યાં છે. લોકો સામેથી રસી લેવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યાં છે અને કોરોનાથી રક્ષણ માટે રસી મેળવી સહકાર આપી, સરકારના રસિકરણ અભિયાનમાં જોડાઇ રહ્યાં છે.
‘મીનાબેન કેવલીયા’એ જણાવ્યું હતું કે, કોરોના રસીના ડોઝ લીધા બાદ ઘણું સારૂં છે. સરકાર જે કંઇ કરી રહી છે. તે આપણા માટે કરી રહી છે. આથી આપણે પણ સરકારને પુરતો સાથ-સહકાર આપવો જોઇએ અને જ્યારે ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે રસિકરણ એ જ એક પ્રકારનું સુરક્ષા કવચ છે. આથી દરેક લોકોએ ડર રાખ્યા વિના રસી મેળવવી જોઇએ અને લોકોએ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી માસ્ક પણ પહેરવું જોઇએ. આપણી કાળજી આપણે જ રાખવી જોઇએ.
‘આરતીબેન સોનછાત્રા’ નામના મુંબઇ રહેતા મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઇ ખાતે રહે છે. હાલમાં જામનગર લગ્નપ્રસંગે આવ્યા છે. લગ્નમાં આવ્યા હોવા છતાં પણ તેમણે કોરોના રસીનો બીજો ડોઝનો સમય થતો હોય, તેમણે આજે બીજો ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જ્યારે આટલી સરસ વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે. વિનામૂલ્યે લોકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે આપણી પણ ફરજ છે કે, સમયસર રસી મૂકવવી જોઇએ.વેક્સિનથી કોઇપણ સાઇડ ઇફેકટ થતી નથી. રસીના બંને ડોઝમાં તેમને કોઇ આડઅસર થઇ નથી. જેમ દેશમાં વધુને વધુ રસી લેવાશે તેમ દેશ ઝડપથી કોરોના મુક્ત થશે તેમ જણાવ્યું હતું.