જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં અને વેપારીને ત્યાં ડ્રાઈવર તથા ડીલેવરીબોય તરીકે કામ કરતા શખ્સે બાઈક છોડાવવા માટે બે મિત્રો સાથે મળી લૂંટનું કાવતરુ રચી પેઢીના સંચાલક સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અસરફ અસગર સોઢા નામનો શખ્સ જામનગરમાં ગોપાલ નમકીન નામની એજન્સી ધરાવતા કિરીટભાઈ નથવાણીને ત્યાં ડ્રાઈવર કમ ડિલેવરી બોય તરીકે નોકરી કરતો હતો અને અસરફનું એફઝેડ બાઈક છોડાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર વિનોદ નારણ ટોયટા, સુરેશ ઉર્ફે જગો કરમશી આલ નામના બે શખ્સો સાથે મળીને એજન્સીના કલેકશનના આવેલા રૂા.67,745 ની રોકડ ભરેલું પર્સની જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા પાસે પેઢીના મારૂતિ સૂઝુકી સુપર કેરી મીની ટેમ્પો જીજે-03-બીડબલ્યુ-4973 નંબરના વાહનનો આગળનો કાચ તોડી નાખી રોકડ રકમની લૂંટ થઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી અને આ અંગેની જાણ થતા પેઢીના સંચાલકને ધ્યાનમાં આવી જતાં તેણે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે અસરફ, વિનોદ અને સુરેશ નામના ત્રણ શખ્સોની પૂછપરછ કરતા ત્રણેય શખ્સો પોલીસ પાસે ભાંગી પડયા હતાં અને લૂંટનું નાટક રચ્યાની કેફિયત આપી હતી.
લૂંટનું નાટક રચ્યાનું ખુલતા પોલીસે વેપારીના નિવેદનના આધારે અસરફ અસગર સોઢા, વિનોદ નારણ ટોયટા અને સુરેશ ઉર્ફે જગો કરમશી આલ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ પૂર્વઆયોજિત કાવતરુ રચી લૂંટનું નાટક રચી મદદગારી કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.