Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતભાજપમાં ‘હાર્દિક’ સ્વાગત

ભાજપમાં ‘હાર્દિક’ સ્વાગત

કોંગ્રેસના પંજામાંથી છૂટી હાર્દિકે ધારણકર્યો કેસરિયો : શ્વેતા બ્રહ્મભટ્ટની પણ ભાજપમાં એન્ટ્રી : પાટીલ-નીતિન પટેલની હાજરીમાં બન્નેનો પ્રવેશ

- Advertisement -

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.‘યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિપાહી બનીને કામ કરીશ.’ તેમ ટવીટ કરીને હાર્દિક પટેલે જાહેર કર્યું હતું.

- Advertisement -

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદારોનો યુવા ચહેરો બનેલા હાર્દિક પટેલે પછી કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી પરંતુ આંતરિક વિખવાદમાં પખવાડિયા પૂર્વે કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવામાં આવ્યો હતો. ભાજપમાં પ્રવેશ પૂર્વે તેણે પોતાના નિવાસસ્થાને દુર્ગા પાઠ પૂજન કર્યું હતું ત્યારબાદ એસપીજી ગુરુકુળ ખાતે રામ-શ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગૌ પૂજા કરી હતી અને ત્યારબાદ કમલમ ખાતે પહોંચીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નિતીન પટેલની હાજરીમાં તેઓને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવ્યા પૂર્વે ટવીટ કર્યું હતું અને રાષ્ટ્રહીત,જનહીત અને સામાજીક હીતની લાગણી સાથે નવા અધ્યાયની શરુઆત કરી રહ્યો હોવાનું તથા ભારતના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં નાના સૈનિક તરીકે કામ કરવાનું જાહેર કર્યું હતું. હાર્દિક પટેલે ગત 18મી મેના રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીને પાઠવેલા રાજીનામા પત્રમાં નેતાગીરી સામે પ્રહાર કરીને અનેક સવાલ ઉઠાવ્યા હતા. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સામે ભાજપમાં આંતરિક સવાલો ઉભા થઇ રહ્યા હોવા છતા નેતાગીરીની લીલીઝંડીને કારણે કોઇ ખુલ્લેઆમ બોલવા તૈયાર થયું નથી. ભાજપના એક નેતાએ એવી ટિપ્પણી કરી કે હાર્દિક પટેલનું રાજકારણ ‘સમાજથી શરુ થયું અને ધર્મથી ખત્મ થયું છે.’ કારણ કે તેઓએ તાજેતરમાં રામ મંદિર અને હિન્દુત્વનું સમર્થન કર્યું હતું. આ નેતાએ એમ પણ કહ્યું કે ભાજપમાં કોંગ્રેસ જેવું કલ્ચર નથી એટલે હાર્દિક પટેલે પાર્ટીમાં શિસ્તપૂર્વક કામ કરવુ પડશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલની તાકાતથી કસોટી થશે. હાર્દિક પટેલને એન્ટ્રી માટે બપોરે 12 વાગ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે પૂર્વે 11 વાગ્યે એક અલગ કાર્યક્રમમાં શ્ર્વેતા બ્રહ્મભટ્ટને પણ કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular