જામનગરમાં ચેટીચાંદ પર્વ આવી રહ્યું હોય, તેને લઇ સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગર સિંધી સમાજના નેજા હેઠળ ગત રવિવારે એસએસડબલ્યુ સાઇ પરિવાર જામનગર દ્વારા વેલકમ ચેટીચાંદ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વને લઇ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગત રવિવારે જામનગર ખાતે એસએસડબલ્યુ સાઇ પરિવાર જામનગર દ્વારા વેલકમ ચેટીચાંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સિંધી સમાજના ધર્મગુરુ ભગવાન ઝુલેલાલના પરમ ઉપાસક પૂજનિય સંત સાઇ શહેરાવાલે જામનગર પધાર્યા હતાં. શહેરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ મંદિર ખાતે ઝુલેલાલ મંડળ સહિત સમાજના હોદ્ેદારો, આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પવનચક્કી સર્કલથી શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં સિંધી સમાજના યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને શોભાયાત્રામાં જય ઝુલેલાલના નારાઓ ગુંજી ઉઠયા હતાં. તેમજ શહેરાવાલે સાઇજીનું ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરાયું હતું.
શહેરાવાલા સાઇજી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની સ્તુતિ, આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરુપ વેરાણાસાહેબનું પૂજન અર્ચન કરી સત્સંગ પ્રવચનનો પ્રારંભ કરાયો હતો. જેમાં ભગવાન ઝુલેલાલના જીવન ચરિત્ર પ્રવચનમાં સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લીન થઇ ભાવવિભોર બન્યો હતો. શહેરાવાલે સાઇના સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતાં. જામનગર સિંધી સમાજના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઇ જાંગિયાણી અને તેમની ટીમ દ્વારા સંગીતથી સૌને રિઝવ્યા હતાં. આ વેલકમ ચેટીચાંદ કાર્યક્રમમાં પૂર્વમંત્રી તથા સમાજના ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, સેક્રેટરી કિશોર સંતાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સિંધી સમાજની જુદી જુદી પંચાયતોની સમાંતામાં એકતાની મિશાલ બની ઇષ્ટદેવ પ્રત્યે શ્રધ્ધા સાથે એસએસડબલ્યુ સાઇ પરિવારના વડીલો, ભાઇઓ-બહેનોએ ફાળવેલ સેવાને સિંધી સમાજે બિરદાવી હતી.