જામનગર શહેરના વોર્ડ નં. 4ના આવેલા હાથણી વિસ્તારમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવા વોર્ડના કોર્પોરેટર રચના નંદાણિયાએ માગણી કરી છે.
મ્યુ. કમિશનરને પત્ર પાઠવી કરેલી રજૂઆતમાં તેમને જણાવ્યું છે કે, વોર્ડ નં. 4માં આવેલો હાથણી વિસ્તાર કે જે 2010 પહેલા એક અલગ ગામ હતું. 400થી 500ની વસ્તી ધરાવતાં આ છેવાડાના વિસ્તારમાં જવા માટે ગાંધીનગર સ્મશાન પાસેના પુલને ક્રોસ કરીને કાચા રસ્તે જવું પડે છે. ચોમાસામાં આ વિસ્તાર વિખુટો પડી જાય છે. ત્યારે આ વિસ્તારમાં રહેતાં લોકોને પીવાનું પાણી પુરું પાડવા તાકિદે પાઇપલાઇન નાખવા તેમજ આ વિસ્તારમાં અવર-જવર કરવા માટે હાલનો જે કાચો રસ્તો છે. ત્યાં રાત્રી દરમિયાન અંધારપટ્ટ છવાયો રહેતો હોય, તાકિદે લાઇટો નાખવી તેમજ અવર-જવર માટે નદીમાં કોઇ પુલ ન હોય, તાત્કાલિક ધોરણે પુલ બનાવવો. જેથી વાહનોની અવર-જવર થઇ શકે. આ વિસ્તારમાં રહેતાં લોકોને સારી સુવિધા મળે તે માટે અહીં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સિમેન્ટ રોડ બનાવવા પણ માગણી કરવામાં આવી છે.