જામનગર શહેર-જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ જામનગર શહેરમાં વિવિધ વેપારી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક બંધ જાહેર કરાયું છે. તો બીજીબાજુ જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાઇ રહ્યું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લિંબુડા ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોડિયા તાલુકાના લિંબુડા ગ્રામ પંચાયતના સરપંચ બિપીનભાઇ નાગપરા દ્વારા તા. 15થી 22 એપ્રિલ સુધી સવારે 6 થી 10 વાગ્યા દુકાનો ખુલ્લી રાખી ત્યારબાદ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે.
આ અંગે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. તેમજ ગામમાં દૂધની ડેરી સવારે અને સાંજે બે-બે કલાક ખુલ્લી રાખવા તેમજ રાત્રીના 8 વાગ્યા બાદ ગ્રામજનોને ઘરની બહાર ન નિકળવા જણાવાયું છે. આ ઉપરાંત ગામમાં બહારથી આવતાં ફેરીયાઓ ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે.