વર્લ્ડમાં ફ્રેન્શીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’, એશીયાનું ગૈારવ અને ભારતની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરવર્ષે કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ, જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા ‘વર્લ્ડ લાયન ડે’ની ઉજવણી કરવામાં આવે છે.
સિંહએ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવુ મહત્વ ધરાવતુ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં 22000 ચોરસ કિલોમિટરમાં વિહરતા થયા છે.
વિશ્વસ્તરે એશિયાટિક સિંહોની માંગ રહેતી હોવાથી સિંહોનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. સિંહોના રક્ષણ અને સંવાર્ધનની જવાબદારી નિભાવનાર સાસણ ગીર અને વન વિભાગ લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વન્ય પ્રાણીઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્ન કરે છે અને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરે છે, સિંહ એક એવી પ્રજાતિ છે જેનાથી આપને ગર્વ અનુભવીએ છીએ આથી જ ગેરકાયદેસર રીતે સિંહોને હેરાન કરતા લોકોને અટકાવવા અને લાયન શો કરી સિંહોને ખતરો પહોંચાડતા અટકાવવા તેમજ લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા આ એક પ્રયાસ છે તેથી આવખતે ગુજરાત વન વિભાગ અને સાસણ ગીર વન્ય પ્રાણી વિભાગ તથા નવાનગર નેચર કલબનાં સંયુક્ત ઉપક્રમે જામનગરની વિવિધ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સંસ્થાના સભ્યો વિજયસિંહ જાડેજા, ઉમેશભાઈ થાનકી, દિનેશભાઈ રબારી, ધર્મેશભાઈ અજા, ઉત્પલભાઇ દવે, સ્વરૂપાબા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, હર્ષાબા પી.જાડેજા (ચેરમેન,રમત ગમત તથા કલા અને સંસ્કૃતિ વિભાગ) વિશાલ પરમાર ઉપરાંત જાણીતા પ્રકૃતિવિદો મનીષ ત્રિવેદી, કમલેશ રાવત, સંદિપ વ્યાસ દ્વારા સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન વિશે સુંદર વકતવ્ય આપવામાં આવ્યું હતું. વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સત્ય સાંઈ વિદ્યાલય, હરિયા સ્કૂલ, કેડમસ સ્કૂલ, ૐ સ્કૂલ,ભવન્સ એ.કે દોશી વિદ્યાલય, પી.વી મોદી સ્કૂલ, સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ, હવેલી સ્કૂલ, જી.ડી શાહ સ્કૂલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.