જામનગર પંથકમાં અનેકવિધ સેવાપ્રવૃતિઓ કરતા પ્રતિષ્ટિત રઘુવંશી ઉદ્યોગપતિ લાલ પરિવારના ચજમાનપદે ’છોટીકાશી”નું નામ ચરિતાર્થ કરે તેવું અભૂતપૂર્વ ધર્મકાર્ય કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેનું અત્યંત મહોત્સવ વર્ણવાયેલું છે, તેવો વિરાટ વાજપેય બૃહસ્પતી મહાસોમયજ્ઞ સાથે વિષ્ણુગોપાલ મહાયાગ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લાલ પરિવારના મોભી ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ લાલની પ્રેરણાથી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલની આગેવાની હેઠળ જામનગરના આંગણે આ પ્રકારનો પ્રથમ સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞ તા. 25 થી તા. 30 જાન્યુઆરી 2024ના દિવસોમાં સંપન્ન થશે.
ઇન્દોરના પદ્મશ્રી પદ્મભૂષણ સોમયજ્ઞ સમ્રાટ પ.પૂ. ગો. ડો. ગોકુલોત્સવજીની તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા. ગો. ડો. વ્રજોત્સવજી મહોદય અને પૂ. પા.ગો. ચિ. ઉમંગરાયજી બાવાની નિશ્રામાં આ સોમ બૃહસ્પસ્તિ મહાયાગ મહોત્સવ સાથે વિષ્ણુગોપાલ મહાયાગમાં દક્ષિણ ભારતના પ્રકાંડ પંડીતો દ્વારા યજ્ઞવિધિ કરાવવામાં આવશે.
આ મહાયજ્ઞ પરિવાર- કુટુંબ- શહેર- દેશ અને વિશ્ર્વની શાંતિ-સમૃદ્ધિ અર્થે આયોજીત કરવામાં આવ્યો છે. આ માટે જામનગર શહેર- હાલાર- સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના યુગલો યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લે એ પ્રકારનું વિશાળ કાર્ય થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જામનગર શહેરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પર જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ નજીક હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવારની આવેલી- વાડીની અતિવિશાળ જગ્યા પર આ મહાયજ્ઞ માટે યજ્ઞ શાળાનું નિર્માણ કરવામાં આવશે. જયાં છ દિવસ સુધી મહાયાગની સંપૂર્ણ શાસ્ત્રોકતવિધિ થશે.
આ મહાયજ્ઞના પ્રારંભ પૂર્વે તા. 24 જાન્યુઆરી-2014 ના રોજ બપોરે 3-30 કલાકે ભવ્ય કળશ શોભાયાત્રા અશોકભાઈ લાલના નિવાસ સ્થાન (વાત્સલ્ય” સ્વસ્તિક સોસાયટી- જામનગર) ખાતેથી પ્રસ્થાન થશે. જે સરૂ સેક્શન રોડ, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ ચોકડી થઈ યજ્ઞ સ્થળે સંપન્ન થશે.
જામનગર શહેર “છોટીકાશી” થી પણ ઓળખાય છે. આ ધાર્મિક નામને સાર્થક કરે તેવું આ પ્રકારનું આ ધર્મકાર્ય સફળ રીતે સંપન્ન થાય તે માટે શ્રી એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિશ્ર્નરાજ લાલ, વિરાજ લાલ વગેરેની સાથે કુટુંબીજનો તેમજ વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો, કાર્યકરો દ્વારા આયોજન માટેની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
સંતાન પ્રાપ્તિ ઇચ્છુક મહિલાઓ માટે ખોળો ભરાય તે માટેની વિધી
જામનગરમાં લાલ પરિવાર આયોજિત વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવ અને વિષ્ણુ ગોપાલ મહાયાગ દરમિયાન પાવન પધરામણી કરનારા અ.સૌ. વહુજી સંતાન પ્રાપ્ત ઇચ્છુક મહિલાઓને શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલી જડીબુટ્ટી મિશ્રિત ખીર આપવાનું સદ્દકાર્ય પણ કરશે.
આ માટે સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક શ્રધ્ધાળુ મહિલાઓએ કંકુની નાની પડીકી, શ્રીફળ નંગ-2, દોઢ-દોઢ કિલોના ચોખાના બે પેકેટ (કુલ 3 કિલો), સાડી-1, બ્લાઉસ પીસ-2 (લાલ-કેશરી- પીળો અથવા લીલા કલરના કોઇપણ) સાથે લાવવાના રહેશે.
સંતાન પ્રાપ્તિ ઉત્સુક મહિલાઓ જો આ જડીબુટ્ટી મિશ્રિત ખીર લેવા ઇચ્છતા હોય તો તેમણે અને તેમના પતિએ એક દિવસ દરમીયાન બે કલાક માટે યજ્ઞમાં બેસવું ફરજીયાત છે અને યજ્ઞનો લાભ લે એ દિવસે દંપતિએ ફળાહાર કરવાનું રહેશે.
શાસ્ત્રોકત દ્રષ્ટિએ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું મહાત્મ્ય
વિષ્ણુ ગોપાલ યજ્ઞ સોમયજ્ઞની સાક્ષીમાં શુભ સંકલ્પથી સર્વકામના સિદ્ધ કરનાર યજ્ઞ છે. કારણ કે, સોમયજ્ઞકર્તા પ.પૂ. મહારાજ અનેક સોમયજ્ઞના કર્તા છે. તેઓ સ્વયં યજ્ઞના યજમાનો માટે શુભ સંકલ્પ લઈને સોમયજ્ઞના સાનિધ્યમાં આ મહાન વિષ્ણુ ગોપાલ યજ્ઞના અનુષ્ઠાનનો સંકલ્પ લે છે. જેમાં વિરાટ સોમયજ્ઞના ચમત્કાર અને પ્રતાપ સર્વ શકિતમાન થઈને વિષ્ણુ ગોપાલ યજ્ઞને મહાન ઉર્જાવાન બનાવે છે. આ યજ્ઞથી કાલસર્પ દોષ, પિતૃદોષ, ગૃહદોષ, કોઈ વ્યકિત દ્વારા દુરમનીથી કરાયેલા અનિષ્ઠ કૃત્ય અને અભિચારિક દોપ, નિષ્ફળતા, દરિદ્ર શોપ, દૂર થાય છે. વેપાર-રાજનીતિ અથવા સમાજમાં સમૃદ્ધિ આડેની અડચણ, ઉન્નતિમાં બાધા આવવી અને જીવનની સમશ્યાઓના નિરાકરણ માટે ચાલી રહેલા સોમયજ્ઞના સાનિધ્યમાં અનેકાનેક લોકો લાભાન્વિત થયા છે તેવી રીતે આ છ દિવસોનો પૂર્ણ લાભ લઈને કોઈપણ માનવી જીવનને સમૃદ્ધ બનાવી શકે છે.
આ માટે પીળા અક્ષત (આખા ચોખા- હળદળ અને શુધ્ધ ઘીથી રંગેલા) હાથમાં રાખીને પોતાની મનોકામનાના સંકલ્પ સાથે યજ્ઞની પરિક્રમા કરવી અને એ પછી આ પીળા ચોખા યજ્ઞ સ્થળ પર રાખવામાં આવેલા સોમકળામાં પધરાવી દેવાના હોય છે. કોઇ શ્રધ્ધાળુ આધિ-વ્યાધિને દૂર કરવા માટે શાંતિ કરાવે તો તે માટે ગાયનું દાન, ભૂમિદાન, વસ્ત્રદાન, પાત્રદાન, બ્રહ્મ ભોજન, દક્ષિણા અને યજ્ઞ દક્ષિણાની સાથે વસ્તુ સામગ્રી એકત્ર કરી વિદ્ધાન બ્રાહ્મણોને બોલાવીને જે ખર્ચ કરે છે, જે એક લગ્ન સમારંભ જેટલો ખર્ચ સામાન્ય રીતે થતો હોય છે, આમ છતાં પણ તેમાં સોમયજ્ઞનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી. સોમયજ્ઞના સાનિધ્યમાં થતા અનુષ્ઠાનથી તેનું ફળ અનંતગણું વધુ છે જે સફળતા પ્રદાન કરતો યજ્ઞ બની રહે છે.