ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક મુસ્લિમ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવતો હોવા અંગેનો એક વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ કામગીરી દરમિયાન અગાઉ ગુનાહીત ઇતિહાસ ધરાવતા આ શખ્સ સાથે પોલીસે ફરજિયાતપણે બળજબરી કરવી પડી હોવાનું કહેવાય છે.
પોલીસ બેડા તથા ખંભાળિયા પંથકમાં ચકચારી આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બે દિવસ પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી માસ્ક અંગેની નિયમ મુજબની કાર્યવાહી દરમિયાન સલાયા ખાતે રહેતા એક શખ્સ સાથે કોઈ કારણોસર થયેલી બોલાચાલી બાદ પોલીસે તેનું અસલી સ્વરૂપ બતાવીને માર મારવામાં આવતા આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાન દ્વારા હોસ્પિટલમાં એમએલસી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ આ શખ્સ સામે અગાઉ પોલીસ પર હુમલા સહિતના ગુનાઓ નોંધાયા છે અને પોલીસને કરવાની થતી ધોરણસરની કામગીરીમાં વિક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા માર મારવાના વાયરલ થયેલા આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે.