ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવ તથા શાસનચંદ્રીકા તિર્થં સ્વરુપા ગુરુણી પૂ. હીરાબાઇ મ.સ., તત્વચિંતક પૂ. જ્યોતિબાઇ મ.સ.ના સુશિષ્યા પૂ. ભારતીબાઇ મ.સ.ના અંતેવાસી ડો. પૂ. સોનલજી મહાસતીજી પ4 વર્ષની વયે 31 વર્ષના દિક્ષા પર્યાય સહિત તા. 30ના રાત્રે 10 કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.
પૂ. ભારતીબાઇ મ.સ., પૂ. રત્નજ્યોતિજી મ.સ.એ નિર્યામણા ઠરાવી હતી. આજે તા. 31ને ગુરુવારે બપોરે 3 કલાકે કામાગલી જૈન સંઘ, ઘાટકોપર (વેસ્ટ) ખાતેથી પાલખીયાત્રા નિકળશે. અંજાર નિવાસી હાલ માટુંગા ચંદ્રાબેન ચંદ્રકાંત રવિલાલ દોશીના પુત્રી સોનલબેન માટુંગા ખાતે તા. 24-10-1993ના 31 વર્ષ પૂર્વે દિક્ષા અંગીકાર કરેલ હતી. મહામંત્ર આરાધક પૂ. જગદીશમુનિ મ.સા.એ દિક્ષામંત્ર અર્પણ કરેલ હતો. વડીદીક્ષા રાજાવાડી સંઘમાં થઇ હતી. મુંબઇમાં 16 ચાતુર્માસમાં કામાગલી સંઘનું ચોમાસુ અંતિમ બન્યું હતું. સાધુ અને શ્રાવક ધર્મ વિષયે પીએચડી કરેલ હતી. કેન્સરની વ્યાધિમાં સહનશિલતા અને શાંતિ અનુમોદનીય હતી. કામાગલી સંઘ, મુકેશભાઇ કામદાર, દોશી પરિવાર વગેરે વૈયાવચ્ચમાં કાર્યરત હતાં. પૂ. મહાસતીજીની ભાવનાનુસાર મહાવીરસ્વામીની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રના ભાવો શ્રવણ કરાવવામાં આવ્યા હતાં. કામાગલી સંઘે તા.3ને રવિવારે સવારે 9:30 કલાકે ગુણાનુવાદ સભાનું આયોજન કરેલ છે.