ખંભાળિયા પંથકમાં શીત ઋતુની વિદાય થઈ રહી છે અને ઉનાળાનો આભાસ થઈ રહ્યો છે. ત્યારે ગત રાત્રે તથા રવિવારે સવારે વાતાવરણમાં ધુમ્મસ ઉતરી આવી હતી. આ ધુમસના કારણે ગઈકાલે રવિવારે સવારે હાઈવે પર વિઝબીલીટી ઘટી જતા વાહનો ટકરાયા હોવાનું જાણવા મળ્યું છે.
ખંભાળિયા પંથકમાં રવિવારે સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જામનગર હાઈ-વે પર આવેલા ટોલનાકા નજીકથી પસાર થતા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા ટોલ ગેઈટ પાસે ગાઢ ધુમ્મસના કારણે ત્રણ વાહનો ટકરાયા હતા અને આ વાહનોમાં નાની-મોટી નુકસાની થવા પામી હતી. જોકે સદભાગ્ય મોટી જાનહાની થઈ ન હતી. ગાઢ ધુમ્મસના કારણે ખાસ કરીને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો.


