વસંતી પંચમીનું પર્વ ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ ધામધૂમથી મનાવાય છે. આ જ કારણ છે કે હાલમાં પેશાવરનાં બજારોમાં રોનક છવાઈ છે. લોકો બાળકોને નવાં કપડાં અપાવવા અને ડ્રાયફ્રૂટ્સ, પીળા ચોખાની ખરીદીમાં વ્યસ્ત છે. પેશાવરના હિન્દુ તેને હારુન સરબ દયાલ કહે છે કે પેશાવર સહિત દેશના અન્ય ભાગોમાં અનેક અઠવાડિયાં પહેલાં વસંત પંચમીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બાળકો રંગબેરંગી તો વૃદ્ધો અને મહિલાઓ પીળા રંગનાં કપડાં પહેરે છે. સ્વાદિષ્ઠ વ્યંજનો તૈયાર કરવામાં આવે છે.
તેમાં પીળા ચોખાની ખીર મુખ્ય હોય છે. ખરેખર પાક.ના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના પેશાવર અને પંજાબ પ્રાંત માટે વસંત પંચમી મુખ્ય પર્વોમાં સામેલ છે. 1990ના દાયકામાં વધતા આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતાએ આ રંગો ફીકા પાડી દીધા હતા. જોકે સમયની સાથે પહેલાં જેવું સૌહાર્દ દેખાવા લાગ્યું છે. પેશાવર હિન્દુઓનાં સૌથી જૂનાં શહેરો પૈકી એક છે. અહીં 70 હજારથી વધુ હિન્દુ રહે છે. પ્રાચીન મંદિર પણ છે. વસંત પંચમી પર મંદિરોમાં ખાસ રોનક રહે છે.
પેશાવરનાં પ્રાચીન મંદિરના પૂજારી શકીલકુમાર કહે છે કે હિન્દુ સમુદાય પિસ્તા, બદામ, કાજુ, મગફળીનાં બોક્સ બનાવે છે. ખાસ હક્વા મીઠાઈ બનાવે છે અને પાડોશીઓને ભેટ કરે છે.
પેશાવરના સદરના જુબૈર ઈલાહી કહે છે કે વસંત પંચમી પર અમે હિન્દુ મિત્રોના ઘરે જઈએ છીએ. ભોજન કરીએ છીએ અને રાતભર ચાલતા ઉત્સવમાં સામેલ થઇએ છીએ.
લાહોરના પત્રકાર ફુરખાન જન કહે છે કે વસંત પંચમીની રાત્રે મુસ્લિમ પરિવારો પણ નૃત્ય પાર્ટી યોજે છે. અમુક વર્ષ પહેલા સુધી અહીં વસંત પંચમીને આંતરરાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો અપાયો હતો. શહેર રંગીન ઝંડાથી શણગારાતું હતું. સાંજ થતાં જ છતો પર સર્ચ લાઈટ લગાવાતી હતી.