મુળ શિહોર વાળા એક પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા આ ત્રણેય સભ્યો જામનગરમાં દિક્ષાગ્રહણ કરશે આજરોજ તેમનો વર્ષીદાનનો વરઘોડો યોજાયા હતો. આવતીકાલે તેમનો દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગાઉ દીક્ષા લીધી છે.
જામનગરના 46 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન શાહ અને તેમના પુત્ર તિર્થ શાહ આ ત્રણેય કુટુંબીજનો દિક્ષાગ્રહણ કરવા જઇ રહ્યા છે. રવિવારથી શરૂ થયેલ આ દિક્ષા સમારોહ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ગુરૂ ભગવંતનો પાવન પ્રવેશ, સામૈયુ તથા કુંભ સ્થાપના, જ્વારા રોપણ, 18 અભિષેક, દેશ વિરતી આરાધના સ્વરૂપ સામુહિક પૌષધવ્રત તથા પાટલા પૂજન, શાંતિ સ્નાત્ર પૂજન, જામનગરના રત્નકુક્ષી માતા-પિતા સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. ત્યારબાદ આજે સવારે વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. જામનગરના ચાંદીબજારથી પ્રારંભ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ ખાતે પુર્ણ થયો હતો. જેમાં જૈન સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, નવીનભાઇ ઝવેરી સહિતના અગ્રણીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.


