વેક્સિનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ-1111’ યોજનાની જાહેરાત કરી હતી. જ્યારે યુકો બેંકે જૂન માસમાં પોતાની યુકોવેક્સી-999ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત વર્તમાન વ્યાજદરની સરખામણીમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 0.25 ટકા અને જ્યારે યુકો બેંક દ્વારા 0.30 ટકા એફડી ઉપર વધુ વ્યાજ આપી રહ્યાં છે. અમદાવાદ યુકો બેન્કના ડે. જનરલ મેનેજર પ્રનબકુમાર બિસ્વાસે જણાવ્યું કે, યુકોવેક્સી-999 યોજના અંતર્ગત બેંક તેમના FD ધારકોને વ્યાજદરમાં 0.30 ટકા વધુ વ્યાજ આપશે. એટલે કે, 999 દિવસ ડિપોઝિટ મુકવા પર 5.30 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને એફડી પર 5.80 ટકા લેખે વ્યાજ મળશે. આ યોજના હેઠળ ગુજરાતમાંથી રૂ.9.20 કરોડના ફિક્સ ડિપોઝીટમાં રોકાણ થયા છે. આ યોજના તા. 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. સેન્ટ્રલ બેંકની ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ-1111’ યોજના હેઠળ રસી લેનારા ગ્રાહકોને એફડી પર 5.35 ટકા, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 5.85 ટકા વ્યાજ મળશે. યોજનાની અંતિમ મુદત 31 ડિસેમ્બર 2021 સુધી રહેશે. યોજના હેઠળ ગુજરાતમાં રૂ.86 કરોડનું રોકાણ થયું છે. જે. એસ. સહાની, ફિલ્ડ જનરલ મેનેજર અમદાવાદ ઝોન સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા.