ઉત્તર પ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી મુખ્ય પ્રધાનના ચહેરા વિશે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અફવાઓ વચ્ચે પાર્ટીએ આ મુદે નિર્ણય લઇ લીધો હોવાનું જણાઇ રહ્યું છે કે યુપીની આવતા વર્ષે થનારી ચૂંટણી પણ હાલના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જ લડાશે.
બુધવારે કોંગ્રેસના નેતા જિતિન પ્રસાદ ભાજપમાં પ્રવેશ્યા બાદ યોગી આદિત્યનાથ ગુરૂવારે અચાનક દિલ્હી આવીને ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા ત્યારથી દિલ્હીમાં યુપીના રાજકારણની ચર્ચા ચાલી હતી પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથેની મુલાકાત બાદ યોગી અને નડ્ડાએ ટિવટ કરીને વિરોધીઓ દ્વારા ચાલતી તમામ અટકળો અને અફવાઓને દૂર કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીર સાથે કરેલા ટિવટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનને મળવાનું અને તેમનું માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય મળ્યું. પોતાના વ્યસ્તતમ કાર્યક્રમોમાંથી સમય કાઢીને મને માર્ગદર્શન આપવા બદલ હું દિલથી વડા પ્રધાનનો આભાર માનું છું. લગભગ સવા કલાક વડા પ્રધાનને મળ્યા બાદ યોગી ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના નિવાસસ્થાને હંકારી ગયા હતા અને તેમની સાથે પણ એક કલાકથી વધુ સમય ચર્ચા કરી હતી. નડ્ડાએ ટિવટ કર્યું હતું કે ઉત્તર પ્રદેશના સફળ મુખ્ય પ્રધાનને મળીને આનંદ થયો. યોગી અને નડ્ડાના ટિવટ એક સ્પષ્ટ સંદેશો છે કે આવતા વર્ષે યુપીમાં થનારી વિધાનસભાની ચૂંટણી ભાજપ યોગીના નેતૃત્વમાં જ લડશે.
ઉદ્ધવ ઠાકરે અને નરેન્દ્ર મોદીની દિલ્હીની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. મુલાકાત પછી શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે મોદીના જબરદસ્ત વખાણ કર્યા એ જ સમયે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે NCPના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. એ પછી તાજેતરમાં ચૂંટણીઓના સફળ વ્યૂહરચનાકાર સાબિત થયેલા પ્રશાંતકિશોરે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આટલા બધા મોટાં અને વગદાર માથાં પરસ્પર વિરોધી જૂથમાં હોવા છતાં અચાનક એકબીજાને મળવા લાગે તો બધાને કંઈક રંધાઈ રહ્યું હોવાની શંકા જાગવી સ્વાભાવિક છે.
જોકે NCPના સંસદસભ્ય અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂલેએ જણાવ્યું કે પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બિલકુલ બિનરાજકીય હતી. પરંતુ રાજકીય નિરીક્ષકોને આ બધાના સરવાળે એક વાત સમજાઈ રહી છે કે આ બધી મુલાકાતો 2024ની વિધાસભા ચૂંટણીની પૂર્વતૈયારી માટે જ થઈ રહી છે.
એક ધારણા છે કે પશ્ચિમ બંગાળમાં પ્રશાંતકિશોરની જબરદસ્ત સફળતા જોયા પછી મહારાષ્ટ્રમાં પણ પ્રશાંતકિશોરને ચૂંટણીનો વ્યૂહ સોંપવાની તૈયારીઓ ચાલી રહી હોય. જોકે પ્રશાંતકિશોરે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે હવે પછી તે આ પ્રકારની સેવાઓ કોઈને આપવા માગતા નથી. તે કંઈક બીજું જ મોટું કરવા વિચારી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે શરદ પવારે NCPના 22મા સ્થાપના દિવસે નિવેદન કર્યું હતું કે 2024માં પણ શિવસેના-NCP સાથે મળીને ચૂંટણી લડશે.
શરદ પવાર અને અમિત શાહ અમદાવાદમાં એકસાથે જોવા મળ્યા હતા. NCPએ મુલાકાતની વાત નકારી, પણ અમિત શાહ કંઈ ન બોલ્યા. શરદ પવાર હોસ્પિટલમાં સારવાર લઈ ઘેર પહોંચ્યા કે તરત પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પવારને મળવા તેમના ઘેર પહોંચી ગયા હતા. ગઈ ચૂંટણીમાં બંનેના સંબંધો ખૂબ વણસી ગયા હતા. ફડણવીસની મુલાકાત પછી પવાર CM ઉદ્ધવ ઠાકરેને મળ્યા. ઉદ્ધવ ઠાકરેને NCPના અનેક વિધાનસભ્યો સામે ફરિયાદ હોવાની વાતો ચર્ચાતી હતી. CM ઉદ્ધવ ઠાકરે PM નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી ગયા. બંને નેતાઓ એકાંતમાં મળ્યા.
કોંગ્રેસમાં યુવાન નેતાઓના કાંગરા એક પછી એક ખરી રહ્યા છે. પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પછી જિતિન પ્રસાદ હાઇ કમાન્ડથી નારાજ થયા પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. હવે રાજસ્થાનમાં સચિન પાયલટ અને તેમનાં ટેકેદારોએ બળવાનો બૂંગિયો ફૂંક્યો છે. પંજાબમાં સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની ટાંટિયાખેંચનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં રાજસ્થાનમાં પાર્ટીનાં આંતરિક અસંતોષનો દાવાનળ ભડક્યો છે. પાયલટ અને તેનાં ટેકેદારોએ ફરિયાદ કરી છે કે એક વર્ષ પહેલાં તેમને આપેલા વચનોનું 10 મહિના પછી પાલન કરાયું નથી. પાયલટ અને તેમનાં ટેકેદારોને મનાવવા ફરી એકવાર પ્રિયંકા ગાંધી મેદાનમાં આવ્યા છે. રાજસ્થાનનું રાજકીય ઘમસાણ હવે દિલ્હી પહોંચ્યું છે. પ્રિયંકા ગાંધીએ ગુરુવારે આ મુદ્દે સચિન પાયલટ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ પછી પાયલટ દિલ્હી પહોંચી ગયા છે. જો કે તેમણે પાર્ટીમાં રહીને જ સમસ્યાઓ ઉકેલવા લડતા રહેવાનું પસંદ કર્યું છે. તેમની લડાઈ પાર્ટી સામે નહીં પણ ગેહલોત સામે છે. પાયલટ જયપુરમાં મોંઘવારી અને પેટ્રો પેદાશોનાં ભાવ વધારાનાં વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા હતા.
એવું જાણવા મળે છે કે ગયા વર્ષે પાયલટને 18 ધારાસભ્યોનો ટેકો હતો આ વખતે છેલ્લા બે દિવસમાં આ સંખ્યા ઓછી દેખાઈ રહી છે. આથી રાજકીય પંડિતોનું માનવું છે કે ગેહલોત સરકાર સામે હાલ કોઈ સંકટ સર્જાવાનું નથી. કોંગ્રેસ હાઇ કમાન્ડને ગેહલોતને નારાજ કરવાનું હાલ પરવડે તેમ નથી. ગુરુવારે પાયલટનાં ઘરે ફક્ત પાંચ ધારાસભ્યો જ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબના રાજકારણમાં પણ આગામી સમયમાં મોટો ટિવસ્ટ આવી શકે તેમ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવા માટે અકાલી દળ અને બસપા વચ્ચે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ બંને વચ્ચે જોડાણ થવાની શક્યતાઓ છે. જાણકારોના મતે શનિવારે આ અંગે અધિકારિક જાહેરાત થઈ શકે છે.
ઉતરપ્રદેશ-મહારાષ્ટ્ર-પંજાબ અને રાજસ્થાન, બધે જ નેતાઓ સ્કૂર્તિમાં !!
પ્રજા કોરોના-અનલોકમાં વ્યસ્ત છે, નેતાઓ સોગઠાં ગોઠવવામાં