જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર હાજીપીરના દર્શન કરી પરત ફરી રહેલા સલાયાના પરિવારના વાહનને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત આઠથી દશ લોકોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો પરિવાર હાજીપીરના દર્શન કરી તેના ગામ તરફ જતો હતો ત્યારે ટંકારા પરથી પસાર થતા સમયે યુટીલીટીના ચાલકે કાબુ ગુમાવતા પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં આઠ થી દશ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, સદનસીબે કોઇને ગંભીર ઈજા થઈ ન હતી. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.