ભારતીય શેરબજારમાં આજે બુધવારે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર ઓલ-ટાઇમ હાઈની નજીક પહોંચી ગયું છે. સેન્સેક્સ 720 પોઈન્ટના ઉછાળા સાથે 85,300ની સપાટીને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 227 પોઈન્ટના વધારા સાથે 26,112 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 628 પોઈન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાયો છે.
બજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળ વૈશ્ર્વિક બજારોનો મજબૂત સંકેત મુખ્ય કારણ છે. વૈશ્ર્વિક બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્ર્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, એવી આશા વધી છે કે યુએસ ફેડરલ રિઝર્વ બેંક ડિસેમ્બર 2025માં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. આ સકારાત્મક સંકેતને કારણે અમેરિકાથી લઈને એશિયન બજારો સુધી તેજીનો માહોલ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.
આજના કારોબારમાં ઘરેલુ બજારના તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સૌથી વધુ તેજી ઓટો, મેટલ, પીએસયુ બેંક, ફાર્મા અને ક્ધઝ્યુમર સેક્ટરમાં જોવા મળી રહી છે. BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર ભારતી એરટેલના શેરમાં 2 ટકાનો ઘટાડો છે, જ્યારે બાકીના તમામ 29 શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને ટાટા મોટર્સના શેરમાં 2 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.
બજારની આ તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. 25 નવેમ્બરે બીએસઈનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 469.41 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 473.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ છે કે માત્ર આજના ટ્રેડિંગ સેશનમાં જ રોકાણકારોની સંપત્તિમાં 4.24 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે.


