જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. બુધવારે રાત્રે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યા બાદ ગુરૂવારે પણ જિલ્લામાં છૂટાછવાયા વરસાદનો સિલસિલો યથાવત રહ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કાલાવડ તાલુકાના નવાગામ તથા જામજોધપુરના ધ્રાફામાં બે ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જયારે ધ્રોલના લતીપુર અને લૈયારામાં 1 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના હળવા ભારે ઝાપટાં વરસતાં રહ્યા હતા. તાલુકા મથકની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમ્યાન કાલાવડમાં પાંચ મિ.મી., જામજોધપુર 21મિ.મી., જામનગર 15 મિ.મી.,ધ્રોલ 5 મિ.મી., જયારે લાલપુરમાં 29 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લાનો મોસમનો સરેરાશ વરસાદ 389 મિ.મી. થયો છે. જે એવરેજ વરસાદના 57.48 ટકા જેટલો છે. આમ જિલ્લામાં હજુ પણ વરસાદની 42 ટકા ખાધ પ્રવર્તી રહી છે. આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને જોતાં જિલ્લામાં વધુ વરસાદની આશા જાગી છે. તા. 15-16 સપ્ટેમ્બરે જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
જામનગર જિલ્લામાં બીજા દિવસે બે ઇંચ સુધીનો વરસાદ
કાલાવડના નવાગામ અને જામજોધપુરના ધ્રાફામાં વરસ્યો ધોધમાર બે ઇંચ : મોસમનો કુલ વરસાદ 57.48 ટકા થયો : 15-16 તારીખે ભારે વરસાદની સંભાવના