જામનગર સહિત હાલાર પંથકમાં માવઠાનો કહેર અવિરત જોવા મળી રહ્યો છે. સમગ્ર હાલાર પંથકમાં ગત્રાત્રે પણ અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસતાં ધરતીપુત્ર કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ઠંડા પવનોથી શહેરીજનો પણ ઠુંઠવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનમાં પલ્ટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઇકાલે રાત્રિના સમયે પણ જામનગર જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગઇકાલે રાત્રે જામનગર શહેરમાં પણ ફરી મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમ્યાન કાલાવડ તાલુકામાં એક ઇંચ, જામનગર, જામજોધપુર અને ધ્રોલમાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેર-જિલ્લામાં થઇ રહેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોની હાલત કફોડી થઇ છે. મગફળી સહિતના પાકોને નુકશાન થઇ રહ્યું છે. વરસાદના પરિણામે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ જામનગરમાં મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાતા શહેરીજનો વરસાદ અને ઠંડીનો સામનો કરી રહ્યાં છે. પવનની ગતિ પણ વધતાં સૂસવાટા બોલાવતા ઠંડા પવનોથી પણ શહેરીજનો પરેશાન થયા છે.
View this post on Instagram
હવામાન વિભાગની આગાહી મુજબ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ દરમિયાન સર્જાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અવારનવાર હળવા અને ભારે વરસાદી ઝાપટા વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ વચ્ચે ગઈકાલે સાંજે પણ ખંભાળિયામાં વાદળછાયા માહોલ વચ્ચે કમોસમી વરસાદી છાંટા શરૂ થયા હતા. જેમાં રાત્રે ધોધમાર સવા ઈંચ (29 મી.મી.) સાથે આજે સવારે પણ હળવા ઝાપટા વરસતા કુલ 30 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે.
આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રે ધોધમાર દોઢ ઈંચ (38 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો હતો. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ભારે ઝાપટા રૂપે આજે સવાર સુધીમાં 18 મી.મી. પાણી પડી જતા ઠેર ઠેર માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આટલું જ નહીં નાના-મોટા જળ સ્ત્રોતો પણ ઓવરફ્લો બની રહ્યા હતા.
આ કમોસમી માવઠાના પગલે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. માર્ગો કીચડથી ખરડાયેલા બની રહેતા વાહન ચાલકો તથા રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે પણ ધૂપછાંવભર્યા માહોલ વચ્ચે વધુ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કારતક માસમાં અષાઢી રંગ જેવા આ કમોસમી માવઠાના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રહેલા પાકોમાં પણ વ્યાપક નુકસાની થવા પામી હતી. આ માવઠું ધરતીપુત્રો માટે ખૂબ જ નુકસાનકર્તા સાબિત થઈ રહ્યું છે.
ખંભાળિયા તાલુકામાં અગાઉના વર્ષો કરતા સરેરાશ ઓછો થવા પામ્યો છે. આ વર્ષે ખંભાળિયા તાલુકાનો વરસાદ 29 ઈંચ થયો છે. ત્યારે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા આસપાસના વિસ્તારો માટે પણ સિંચાઈનું પાણી પૂરું પાડતો ઘી ડેમ પ્રારંભમાં ખાલી રહ્યો હોય, પરંતુ ઉપરવાસના વરસાદ તેમજ રેચ ફૂટવા અને તાજેતરના માવઠાના કારણે પ્રમાણમાં ઓછા વરસાદ છતાં પણ ત્રીજી વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
ગત વર્ષોના પ્રમાણમાં ઓછા વરસાદ વચ્ચે ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલો આશરે 22 ફૂટનો સિંહણ ડેમ ચોમાસાના અંત ભાગમાં આશરે 18 ફૂટ જેટલો ભરાયો હતો. પરંતુ જમીનમાંથી રેચ ફૂટતા તેમજ અન્ય પરિબળોના લીધે હાલ સિંહણ ડેમ પણ ગમે તે સમયે ભરાઈ જાય તેવી શક્યતા છે. આ બાબતને પણ કુદરતની કૃપા માનવામાં આવે છે.
આજે સવારે 8 વાગ્યા સુધીના સરકારી આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 39 ઈંચ (971 મી.મી.) થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 51 ઈંચ (1269 મી.મી.), દ્વારકા તાલુકામાં 40 ઈંચ (997 મી.મી.), ભાણવડ તાલુકામાં 36 ઈંચ (893 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં 29 ઈંચ (725 મી.મી.) થવા પામ્યો છે.


