જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહાજનનું કનસુમરામાં આવેલા મકાન અને વખારને કનસુમરાના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી તોડી પાડી નવું બાંધકામ શરૂ કરી જમીન પચાવી પાડયાના ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં અને કનસુમરાના વતની ન્યાલચંદ શાહ નામના વૃદ્ધ મહાજનનું મકાન તથા વખાર કનસુમરા ગામમાં આવેલા છે. આ મકાનમાં રીઝવાન નુરા ઉર્ફે નુરમામદ ખીરા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો કરી મકાન તથા વખારને તોડી પાડયા હતાં. તેમજ જમીન ઉપર નવું બાંધકામ પણ શરૂ કરી દીધું હતું તેમજ વૃદ્ધના બીજા મકાનના તાળા તોડી તેમાં પણ રીઝવાને કબ્જો કરી લીધો હતો. આ અંગેની વૃદ્ધ દ્વારા કલેકટર સૌરભ પારઘીને કરાયેલી અરજીના આધારે ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.