Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતનિર્દોષ જિંદગીઓ ઝૂંટવી લેતાં અજાણ્યા વાહનો !

નિર્દોષ જિંદગીઓ ઝૂંટવી લેતાં અજાણ્યા વાહનો !

અકસ્માત મોતને ગંભીર ગુનો લેખવાનું કયારે શરૂ થશે?

- Advertisement -

જામનગર-દ્વારકા સહિતના રાજયભરના જિલ્લાઓમાં રાજયસ્તરના કે નેશનલ હાઇ-વે પર અથવા જિલ્લાઓના આંતરિક માર્ગો પર લગભગ દરરોજ ઘાતક અકસ્માતો થાય છે, નિર્દોષ જિંદગીઓનો બલિ ચડે છે. સરકાર અને સ્થાનિક તંત્રો રોડ સેફટી સપ્તાહો અને મહિનાઓની સરકારી ઉજવણીઓ કરી સંતોષ માની લે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ પ્રકારના કરૂણ સમાચારો પ્રત્યે સંવેદનશીલ નથી. કહેવાતા આગેવાનોને તો જાણે કે, આ મુદ્દો સ્પર્શતો જ નથી. ઘાતક અકસ્માતો નિવારવા ગંભીર વિચારણાની જરૂર છે. જરૂર પડે તો મોટર વ્હિકલ એકટ અને આઇપીસીની કલમોમાં પણ સુધારો કરવો જોઇએ. જયાં સુધી અકસ્માતોને ગંભીર લેખવામાં નહીં આવે ત્યાં સુધી કાળા રસ્તાઓ નિર્દોષ પરિવારોમાં અંધકાર ફેલાવતા રહેશે.
વિવિધ રસ્તાઓની ડિઝાઇન યોગ્ય છે કે કેમ? રસ્તાઓના વળાંકો ઓછાં કરવા માટે કશું કરી શકાય કે કેમ? માર્ગો પહોળા કરી, ડિવાઇડરની વ્યવસ્થા થઇ શકે કે કેમ? માર્ગો પર આડેધડ વાહનો ચલાવતાં બેજવાબદાર વાહનચાલકોની સંખ્યા ઘટાડી શકાય કે કેમ? વાહનચાલકોને ડ્રાઇવિંગ અંગે વધુ તાલીમબધ્ધ બનાવી શકાય કે કેમ? જવાબદાર પોલીસતંત્રને તથા આરટીઓ તંત્રને સક્ષમ બનાવવા શું કરવું જોઇએ? વગેરે સંખ્યાબંધ મુદ્ાઓ અંગે તાકીદે અને ગંભીર વિચારણા થવી જોઇએ. અકસ્માતોને કારણે રસ્તાઓ પર રાક્ષસી વાહનો નિર્દોષ જિંદગીઓને કચડતાં રહે એ બાબત સમગ્ર સમાજ અને સરકાર માટે શરમ અથવા નિચાજોણું લેખાવું જોઇએ.

- Advertisement -

હાઇ-વે પર નિયત સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાવા જોઇએ.આ પ્રકારના કેમેરાની સંખ્યા તથા ચોકસાઇ વધારવી જોઇએ. કેમેરાઓનું મોનિટરીંગ નિયમિત અને અસરકારક રીતે થવું જોઇએ. પોલીસતંત્રને આ પ્રકારના કિસ્સાઓમાં માનવીય બનાવવું પડે. બેફામ વાહન દોડાવતાં ચાલકોને આકરાં દંડ અને સજાઓ થવી જોઇએ. આ પ્રકારના અનેક સુધારાઓ વર્ષોથી જરૂરી હોવા છતાં થતા નથી. આ અંગે લોકોમાં સખત નારાજગી અને ગુસ્સો હોવા છતાં સરકારોની નીતિમાં લોકલાગણીનો પડઘો પડતો નથી તે કમનસીબ બાબત છે.

આ દિશામાં સરકાર નવા અને હિંમતભર્યા નિર્ણયો નહીં લ્યે ત્યાં સુધી ગરવી અને સમૃધ્ધ ગુજરાતના માર્ગો પર નિર્દોષોનું લોહી અકસ્માતોમાં રેડાતું રહેશે. અને સંખ્યાબંધ પરિવારો શોકની ખાઇમાં ડુબેલા રહેશે…!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular