ફરજિયાત હોલમાર્કના નિયમ અંતર્ગત આજથી દાગીના પર યુનિક આઈડી નંબર લગાવવાનું ફરજિયાત થઇ રહ્યું છે. આ નિયમ સામે વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. યુનિક આઈડી નંબર લગાવવામાં જટિલ પ્રક્રિયા છે. આ દરેક પ્રક્રિયાનું પાલન કરવા જઈએ તો દાગીના મેન્યુફેક્ચરિંગથી લઈને વેચાણમાં સમસ્યા ઊભી થશે.એમ વેપારીઓ જણાવે છે. જોકે જે રીતે વેપારીઓમાં રોષ છે એ જોતાં આજથી તેનો અમલ થશે કે કેમ તે વિશે આશંકા છે.
સોનીબજારનાં સૂત્રોએ કહ્યું કે, હોલમાર્ક કાયદાના નિયમભંગ બદલ ઝવેરીઓને 31 ઓગસ્ટ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. હોલમાર્ક સેન્ટર્સને પણ દસ દિવસની છૂટ આપવામાં આવી હતી. હવે તેનો અમલ ફરજિયાત થઈ રહ્યો છે.
હોલમાર્ક સેન્ટર સંચાલકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈ નિયમ સામે વાંધો નથી પરંતુ તેની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. નવા નિયમ હેઠળ જ્વેલર દ્વારા મોકલાતા દાગીનાની શુદ્ધતા-વજન સહિતની ચકાસણી કરીને તેના ફોટા પાડીને ઓનલાઈન રીપોર્ટ બીઆઈએસને મોકલવાનો થશે અને તેના દ્વારા અપાતા યુનિક આઈડી નંબર દાગીનામાં લગાવવા પડશે. નવા નિયમ થી જે કામ માં સામાન્ય દિવસોમાં 1 કલાક માં થતું હતું તેમાં હવે અંદાજીત 5 કલાક જેટલો સમય લાગશે. જો કે.જે નિયમ. છે એમાં રાહત અથવા તો છૂટછાટ આપવામાં આવે એ માટે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.કોઈ હલ નહી નીકળે તો તે અંગે લડત હાથ ધરવામાં આવશે.
સોનાના દાગીનામાં હોલમાર્ક લાગુ થવાથી દુકાનમાં આવતા તમામ ગ્રાહકની નોંધ રાખવાની થશે અને તે ઓનલાઈન પોર્ટલ પર દર્શાવવાની રહેશે. યુનિક નંબરને કારણે દાગીના ખોવાઇ જાય તો તેને સરળતાથી ટ્રેસ કરી શકાશે. જોકે સોની વેપારીઓએ યુનિક આઈડી નંબર માટે જે પ્રક્રિયા છે તેની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.