દેશમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના આંકડાઓ રેકોર્ડ તોડી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારો દ્વારા વિવધ પ્રતિંબંધો લગાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાઓ પર આંશિક લોકડાઉન પણ લગાવ્યું છે. આ બધા વચ્ચે લોકોના મનમાં ફરીથી એક સવાલ ઉભો થયો છે કે શું દેશમાં ફરી વખત લોકડાઉન લાગુ થશે?
દેશ હજુ ગયા વર્ષે લાગુ થયેલા લોકડાઉનના ફટકામાંથી બહાર નથી આવ્યો, તેવામાં ફરી એક વખત ગયા વર્ષે કરતા પણ ખરાબ સ્થિતિ ઉભી થઇ રહી છે. જેને જોતા લોકોના મનમાં ડર અને શંકા જાગે તે વાત સ્વાભાવિક છે. જો કે કેન્દ્ર સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરીથી લોકડાઉન વિશેના સવાલના જવાબમાં કહ્યું કે દેશના જે રાજ્યોની અંદર કોરોના કેસ વધી રહ્યા છે, તેમની સાથે અમે સતત સંપર્કમાં છીએ અને અમે તેમનું નિરીક્ષણ પણ કરીએ છે. જાવડેકરે જણાવ્યું કે ગયા વર્ષે આપણે બધા લોકોએ કોરોના મેનેજમેન્ટના ઉપય જોયા છે, જો આ વર્ષે પણ કોરોના મેનેજમેન્ટ સારી રીતે થશે તો તેનો ફેલાવો અટકાવી શકાશે.
ટૂંકમાં એવું કહી શકાય કે સરકારે પણ હજુ લોકડાઉન અંગે કોઇ નિર્ણય કર્યો નથી. સરકાર દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર નજર રાખી રહી છે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિ અંગે વાત કરે તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40 હજાર કરતા પણ વધારે નવા કેસો નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ સરકાર સતત રસીકરણ અભિયાનને વધારે ઝડપી બનાવવા માટેના પ્રયાસ કરી રહી છે. જેના ભાગરુપે જ આજે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 1 એપ્રિલથી કોરોના વેક્સિનેશનનો વ્યાપ વધારવામાં આવશે. જેના ભાગરુપે હવને પહેલી એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન અપાતી હતી.


