દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનો જથ્થો થોડા સમય પૂર્વે પોલીસે ઝડપી પાડ્યા બાદ બુધવારે એલસીબી પોલીસે ખંભાળિયામાંથી વધુ 4,000 બોટલ આ પ્રકારનો સીરપનો જથ્થો પકડી પાડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ગઈકાલે બુધવારે બપોરે એલસીબીના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.વી. ગળચરના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત હેડ કોસ્ટેબલ સહદેવસિંહ જાડેજાની બાતમીના આધારે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રહેલા જી.જે. 23 એ.ટી. 4891 નંબરનો આઈસર ટ્રકમાં ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે સેલ્ફ જનરેટેડ યુક્ત આલ્કોહોલનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદથી ખંભાળિયા આવેલા આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ “કાલ મેઘસવા” 4,000 બોટલનો જથ્થો આ આઇસર ટ્રકમાંથી પોલીસને સાંપળ્યો હતો. જે સંદર્ભે પોલીસે રૂપિયા 5,96,000 ની કિંમતની આયુર્વેદિક સીરપ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતના આઈસર ટ્રક મળી કુલ રૂ. 8.96 લાખનો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં અમદાવાદના વિસલપુર ખાતે રહેતા ટ્રક ચાલક રમેશ ભોપાભાઈ ખરગીયા (ઉ.વ. 31) અને જથ્થો મંગાવનાર અત્રે બંગલાવાડી, શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગભાઈ લીલાધરભાઈ થોભાણી સામે ધોરણસર કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા સીરપના જથ્થાનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અને આ અંગેના રિપોર્ટ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.