ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક ટંકારા માર્ગ પરથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર પુલ સાથે અથડાતા આ અકસ્માતમાં કારચાલક સહિત બે વ્યક્તિના મોત નિપજ્યા હતાં. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના વતની અબ્બાસ ઉર્ફે હમીર પીર મહમદ શેખ (ઉ.વ.27) નામના યુવાન સોમવારે બપોરના સમયે તેની જીજે08બીએસ5805 નંબરની સ્વીફ્ટ કારમાં સોમવારે બપોરના સમયે ધ્રોલ-ટંકારા ધોરીમાર્ગ પર લતીપર ગામ નજીકના પુલ પરથી પસાર થતો હતો તે દરમ્યાન પુરઝડપે બેફિકરાઇથી આવતી કારના ચાલક અબ્બાસે કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઇડમાં આવેલ સિમેન્ટના પિલોર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અને આ અકસ્માતમાં ચાલક અબ્બાસ ઉર્ફે હમીર પીર મહમદ શેખ અને બાજુમાં બેસેલા જમનભાઇ કાનજીભાઇ પરમાર નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા બન્ને ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ દિનેશ પરમારે કરતા પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતદેહોનો કબ્જે સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.