દ્વારકા ગામના આવળપરા વિસ્તારમાં રહેતો અને હોટલમાં નોકરી કરતા યુવાન સહિતના બે વ્યક્તિઓ ઉપર છોકરીઓ પાછળ જવાની બાબતે ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે લમધારી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા અને એક હોટલમાં નોકરી કરતા વિપુલભાઈ રાજમલભાઈ ભગાડ નામના 22 વર્ષના યુવાન તથા તેમની સાથે રહેલા સાહેદ વિજયભાઈ સાથે ગત તારીખ 3ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના સમયે આ જ વિસ્તારમાં હોટલનું સંચાલન કરતા હેમતભાઈ નામના એક શખ્સની હોટલની બાજુમાં આવેલી દુકાનમાં માવો ખાવા ગયા હતા ત્યારે આ સ્થળે આરોપી હેમતભાઈ સાથે રવિભા વાઘેર, અતુલભા વાઘેર અને નીતિનભા વાઘેર નામના ચાર શખ્સોએ મળી, લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી વિપુલભાને આરોપી હેમત અને રવિભાએ “તું અમારી હોટલમાં કામ કરતી છોકરીની પાછળ કેમ જાય છે?” તેમ કહી, હુમલાનો આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. દ્વારકા પોલીસે ચારેય શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.