જામનગર શહેરમાં ખાદી ભંડાર પાસે આવેલી દાળિયાની દુકાનમાં ઈલેકટ્રીક ભઠ્ઠી ઉપર દાળિયા સેકવાનું કામ કરતા સમયે યુવાનને વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો યુવાન તેના ઘરે ડ્રીલ મશીનથી કામ કરતો હતો ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ થયું હતું. જામનગરના સરકારી હોસ્પિટલમાં અજાણ્યા આધેડનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
અપમૃત્યુના જુદા જુદા બનાવોની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના રાજપાર્કમાં સરદાર ચોક શેરી નં.1/2 માં રહેતો હેમતસિંહ કાળુભા જાડેજા (ઉ.વ.40) નામનો યુવાન ખાદી ભંડારની બાજુમાં આવેલી સોહિલ દાળિયા સેન્ટર નામની દુકાનમાં એક દાયકાથી દાળિયા સેકવાનું કામ કરતો હતો અને ગુરૂવારે સવારના સમયે ઇલેકટ્રીક ભઠ્ઠી ઉપર દાળિયા સેકતો હતો ત્યારે કોઇ કારણસર વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રભાતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા ઈશાકભાઇ જુમાભાઇ ખીરા (ઉ.વ.45) નામનો યુવાન ગત તા.31 ના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં તેના ઘરે ડ્રીલ મશીનથી કામ કરતો હતો ત્યારે એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની આમદભાઈ ખીરા દ્વારા જાણ કરાતા હેકો કે.સી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.
ત્રીજો બનાવ, જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આશરે 50 વર્ષના અજાણ્યા પુરૂષને બીમારી સબબ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારની રાત્રિના સમયે તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશગીરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.બી. સફિયા તથા સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.