જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં યુવાનને ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સમયે તેના ઘરે કોઈ કારણસર બેશુદ્ધ થઈ જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જાંબુડાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં યુવાનને સવારના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં વિરજીભાઈ રતાભાઇ પરમાર (ઉ.વ.40) નામના યુવાનને ગત તા.12 ના રોજ રાત્રિના સમયે કોઇ કારણસર બેશુધ્ધ થઈ જતા 108 એમ્બ્યુલન્સમાં જાંબુડાના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે નાગલબેન દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના દડિયા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં નાનજીભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.42) નામના યુવાનને ગત તા.12 ના રોજ સવારના સમયે પાણીના ટાંકા પાસે એકાએક હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ દિનેશ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.