જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીક આવેલી હોટલ પાસે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતા બે યુવાનોને પૂરઝડપે આવી રહેલા બાઈકચાલકે ઠોકર મારતા એક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો રાજુભાઈ સોમાભાઈ માતમ (ઉ.વ.46) અને કારાભાઇ ખીમાભાઈ વીંઝુડા નામના બંને યુવાનો ગત તા.11 નવેમ્બર રાત્રિના સમયે મેઘપર નજીક આવેલી આશાપુરા હોટલ પાસે રસ્તો ક્રોસ કરતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-ડીકયુ-3670 નંબરના બાઈકચાલકે બન્ને યુવાનોને હડફેટે લઈ ઠોકરે ચડાવ્યા હતાં. અકસ્માતમાં ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં રાજુભાઈ માતંગ (ઉ.વ.46) નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે કારાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ મૃતકના ભાઈ લાખાભાઈ માતંગ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ બી બી કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.