જામનગર તાલુકાના જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર રિસોર્ટમાં અંદર જવા દેવા માટેની રજૂઆત કરતા યુવાન ઉપર રિસોર્ટના સિકયોરિટી ગાર્ડ સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરતાં વચ્ચે પડેલા યુવાનને પણ લમધાર્યાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં કિશનસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો યુવાન તેના અન્ય મિત્રો સાથે શુક્રવારે બપોરના સમયે જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર રિસોર્ટમાં ગયા હતાં તે દરમિયાન અંદર જવા માટેની પુરૂષ તથા મહિલાઓની એક જ લાઇન હતી અને કિશનસિંહ આ લાઈનમાં ઉભા હતાં ત્યારે અન્ય મહિલાઓને પહેલાં રિસોર્ટમાં જવા દેતા યુવાને સિકયોરિટી ગાર્ડ પાસે રજૂઆત કરી પૂછપરછ કરતા અંકિત અને અન્ય બે સિકયોરિટી ગાર્ડ સહિતના ત્રણ શખ્સોએ કિશનસિંહ જાડેજા નામના યુવાનને મુંઢ માર માર્યો હતો તેમજ લોખંડના પાઈપ વડે પણ હુમલો કરતા રાજવિજયસિંહ સોઢા નામનો યુવાન કિશનસિંહ છોડાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ સિકયોરિટી ગાર્ડે પાઈપ વડે હુમલો કર્યો હતો.
રિસોર્ટમાં આવતાં સહેલાણીઓ ઉપર અવાર-નવાર મારકૂટ કરવાના બનાવો બને છે અને રિસોર્ટના સિકયોરિટી ગાર્ડ સામે ફરિયાદો થતી રહે છે. આ બનાવ પણ સિકયોરિટી ગાર્ડ દ્વારા થયેલા હુમલા અંગેની જાણ કરાતા હેકો બી.એન.ચોટલિયા તથા સ્ટાફે સિકયોરિટી ગાર્ડ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.