રાજસ્થાનમાં હાલ દારૂની દુકાનોની હરાજી ચાલી રહી છે. તેને અનુસંધાને હનુમાનગઢ જિલ્લાના કુઈયાં ગામ માટે દારૂની દુકાનની બોલી લગાવાઈ રહી હતી. દારૂની દુકાન માટેની બોલીની શરૂઆત 72 લાખ રૂપિયાથી થઈ હતી અને સતત વધતી જતી હતી. આ દુકાન પર કબજો મેળવવા માટે એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે હોડ જામી હતી. બંને મહિલાઓ વચ્ચે રસાકસીની શરૂઆત સવારે 11 વાગે થઈ હતી અને છેક રાતે 2 વાગે 510 કરોડ રૂપિયાની બોલી સાથે સમાપ્ત થઈ હતી.
કુઈયાં ગામ ખાતે આવેલી દારૂની આ દુકાન ગયા વર્ષે આશરે 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ વર્ષે દારૂની દુકાન માટે બોલીની શરૂઆત 72 લાખ રૂપિયાથી કરવામાં આવી હતી. આ દુકાન ખરીદવા માટે કુઈયાં ગામના એક પરિવારની બે મહિલાઓ વચ્ચે જ સંઘર્ષ જામ્યો હતો.
આબકારી વિભાગના અધિકારીઓએ રાતે બે વાગ્યે બોલી સમાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 510 કરોડ રૂપિયાની બોલી લગાવનારી મહિલા કિરણ કંવરને બે દિવસની અંદર દુકાનની કુલ કિંમતના બે ટકા રૂપિયા જમા કરાવવા કહેવામાં આવ્યું છે. જો કે, આબકારી અધિકારીઓને હજુ પણ આ બોલી પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે બોલીના હિસાબથી કિરણ કંવરના પક્ષમાં એલોટમેન્ટ લેટર જાહેર કરી દીધો છે. સાથે જ જો આ બીડનો વિજેતા દુકાન નહીં લે તો તેને ભવિષ્યમાં બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ કહ્યું છે. હકીકતે રાજસ્થાનમાં દારૂની દુકાનોની આ પ્રકારે બોલી લગાવવાનો લોકો વિરોધ કરી રહ્યા છે. જે દુકાનો પહેલા 5થી 10 લાખમાં વેચાતી હતી તે હવે 5થી 10 કરોડમાં વેચાય છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બેરોજગારોને તક આપવા અને શરાબ માફિયાઓનો અંત લાવવા બોલીની સિસ્ટમ સમાપ્ત કરીને લોટરી સિસ્ટમ રાખી હતી પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત 15 વર્ષ જૂની વ્યવસ્થાનો અંત લાવીને ફરીથી દુકાનોની હરાજી કરાવી રહ્યા છે. દારૂની દુકાનોની હરાજીના કારણે સરકારને મહેસૂલ તરીકે હજારો કરોડ રૂપિયા મળી રહ્યા છે.