જામનગરમાં દરવાજાની સ્ટોપર મારવાના મામલે મહિલા એડવોકેટને બે મહિલાઓએ માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના દિ.પ્લોટ 17 નંબરમાં રહેતાં અને વકીલાતનો વ્યવસાય કરતા મીરાબેન શાંતિલાલ અઘેડાએ સિટી એ ડીવીઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.25 ના રોજ તેઓ તેના ઘરે હતાં તે દરમિયાન તેની ઉપરના માળે જ રહેતાં નિશા જગદીશ અઘેરા એ ફરિયાદીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી ફરિયાદીએ રૂમનો દરવાજો ખોલતા નિશાબેને કહ્યું હતું કે, કેમ મારા રૂમના દરવાજામાં તે સ્ટોપર મારી છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતાં. જે દરમિયાન ભાવનાબેન અઘેડા પણ આવી જઈ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી અમારા રૂમના દરવાજામાં સ્ટોપર મારીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
મીરાબેન દ્વારા નિશા અને ભાવના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


