જામનગરના શ્રી રામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તથા મેનેજીંગ ટ્રસ્ટીઓને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા થતા ડબલ રકમનો દંડ અદાલત દ્વારા ફટકારવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના જૂના કુંભારવાડામાં રહેતાં નિલેશ હેંમતલાલ પરમારએ શ્રી રામ સેવા ટ્રસ્ટના નામથી ટ્રસ્ટ ચલાવતા પરેશભાઈ કે. ગુસાણી તથા મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ભીમશીભાઈ જાડેજા દ્વારા બહાર પાડેલ વન ટાઈમ યોજના અંતર્ગત 40 હજારનું રોકાણ કર્યુ હતું. આ રકમની પાંચ વર્ષ બાદ પરત ચૂકવણી અંગે શ્રી રામ સેવા ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓએ ફરિયાદીના નામ જોગ 80 હજાર પરત કરવાના હતાં. જેની મુદ્ત પૂરી થતાં ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓ દ્વારા જામનગર પીપલ્સ કો.ઓ. બેંકનો 80 હજારનો ચેક આપ્યો હતો. જે ચેક નિલેશભાઈ પરમાર દ્વારા પોતાના બેંક ખાતામાં ડિપોઝિટ કરાવતા આ ચેક એકાઉન્ટ કલોસના કારણે રીટર્ન થયો હતો. જેથી ફરિયાદી દ્વારા વકીલ મારફત બન્ને ટ્રસ્ટીઓને લીગલ નોટિસ મોકલી હતી. આરોપીઓને નોટિસ બજી જવા છતાં ચેક મુજબની રકમ આપેલ ન હોય, ફરિયાદી નિલેશ પરમાર દ્વારા જામનગરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈસ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતાં 10મા એડીશનલ ચીફ જ્યુડી.મેજી. (ફ.ક.) સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટ એ.ડી.રાવ દ્વારા દસ્તાવેજી પૂરાવાઓ તથા ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરેલ દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઇ પરેશભાઈ કે. ગુસાણી અને ભરતસિંહ ભીમશીભાઈ જાડેજાને એક વર્ષની સજા તથા ચેકની રકમ રૂા.80 હજારની ડબલ રકમનો દંડ કરી આ રકમ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જો આરોપીઓ દંડની રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશ્ર્વિન કે. બારડ રોકાયા હતાં.