મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સામે આવી છે. કુઆલાલંપુરમાં એક ટનલની અંદર બે ટ્રેનો ટકરાતાં 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. 23 વર્ષ જુની મેટ્રો સિસ્ટમમાં અત્યાર સુધીની આ સૌથી મોટી દુર્ઘટના છે.
આ ઘટનાને લઈને મલેશિયાના પરવિહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપી હતી કે, સ્થાનિક સમય અનુસાર સોમવારે રાતે લગભગ સાડા આઠ વાગ્યે આ ઘટના થઈ હતી. પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે, 213 મુસાફરોને લઈ જતી મેટ્રો ટ્રેન દુનિયાના સૌથી ઉંચા ટ્વિન ટાવરમાંના એક એવા પેટ્રોનાસ ટાવર્સની પાસ સુરંગમાં એક ખાલી પડેલી ટ્રેન સાથે અડથાઈ ગઈ હતી. તેમણે કહ્યું, “એક ટ્રેન 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી અને બીજી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી ત્યારે આ ટક્કર થઈ હતી. આ મોટી દુર્ઘટનામાં 40 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થઈ છે અને અન્ય 160 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. એલઆરટીના ઈતિહાસમાં 23 વર્ષમાં આ પહેલી ઘટના છે. આ અથડામણ બાદ તપાસ માટે એક વિશેષ કમિટી પણ બનાવી છે.
પ્રધાનમંત્રી મુહિદ્દીન યાસીને અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. ડાંગ વાંગી ઓસીપીડીના સહાયક કમિશનર મોહમ્મદ ઝૈનલ અબ્દુલ્લાએ કહ્યું કે આ ઘટના એલઆરટી લાઇનના ઓપરેશન સેન્ટરમાં મિસ કમ્યુનિકેશન હોવાને કારણે થઈ શકે છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.