ભાટિયાના આવેલા એક રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં રેલવે પોલીસે બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની રેલવે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાટિયાની રેલવે કોલોની વિસ્તારમાં ગત તા.12 ઓગસ્ટ 2023 ના રોજ એક આસામીને ત્યાંથી ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂા.30,000 જેટલા મુદ્દામાલની ચોરી થયાનો બનાવ ખુલવા પામ્યો હતો. આ સંદર્ભે રાજકોટ ડિવિઝનના રેલવે પોલીસ મથકના વી.બી. રાયમા તથા ઈન્ચાર્જ પી.એસ.આઈ. સહદેવસિંહ ઝાલાની સૂચના મુજબ એ.એસ.આઇ ભરતસિંહ હનુભા, હેડ કોન્સ્ટેબલ ભીમશીભાઈ રામભાઈ અને ભરતભાઈ તથા જયેશભાઈ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત ચોરી પ્રકરણમાં હાલ જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં રહેતા ભરત કારા સાવલીયા (ઉ.વ. 19) અને રાજકોટ ખાતે રહેતા મદ્રાસી મુગ્વેલ ઉર્ફે મુકેશ પ્રિયાસ્વામી આદિતદ્રાવિડ (ઉ.વ. 52) નામના બે શખ્સોને રેલવે પોલીસે અનુક્રમે દ્વારકા તથા રાજકોટથી ઝડપી લીધા હતા.
ઉપરોક્ત આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓને રેલવે પોલીસે અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યા છે.