જામનગર શહેરમાં સત્યમ કોલોની એરપોર્ટ ગેઈટ પાસે આવેલા કોમ્પલેક્ષમાં પાર્કીંગમાં પાર્ક કરેલુ બે લાખની રોકડ ભરેલુ ઓલા બાઇક ચોરીના બનાવમાં પોલીસે વેપારીને ત્યાં નોકરી કરતી યુવતી સહિતના ચાર શખ્સોની સંડોવણી ખુલતા બે શખ્સોને બાઈક અને રોકડ સાથે દબોચી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના સત્યમ કોલોની એરફોર્સ ગેઈટ 2 પાસે આવેલા શ્રીજી કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલું દિપકભાઈ ઠુમ્મર નામના વેપારી યુવાનનું જીજે-10-ડીએમ-3340 નંબરનું ઓલા બાઈકની ડેકીમાં રાખેલી રૂા. બે લાખની રોકડ સાથેનું બાઇક ગત તા.20 ડિસેમ્બરના રોજ ચોરી થયું હતું. જેના સીસીટીવી ફુટેજો નિહાળી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હેકો યશપાલસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, પો.કો.યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ચોરીના બનાવમાં સંડોવાયેલા બે શખ્સો ચોરાઉ બાઈક સાથે પસાર થવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગોકુલનગર સાંઢીયા પુલ નીચેથ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન ચોરાઉ બાઈક સાથે પસાર થતા દિવ્યેશ ઉર્ફે દિવુભા મુછડી દિનેશભાઈ વાઘેલા અને સિધ્ધરાજસિંહ નવલસિંહ કંચવા નામના બે શખ્સોને આંતરીને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.50 હજારની કિંમતનું ચોરાઉ બાઈક અને રૂા.1,30,000 ની રોકડ રકમ કબ્જે કરી હતી. પોલીસ દ્વારા બંનેની પુછપરછ કરાતા આ ચોરીના બનાવમાં વેપારીને ત્યાં નોકરી કરતી જીન્શીબેન પીઠડિયા અને નયન પ્રફુલ્લ પટેલ નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે આ બંનેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.