લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં ખેતરમાં રહેલા શ્રમિક યુવાન પાસેથી બળજબરીપૂર્વક મોબાઇલ અને લૂંટની રોકડની લૂંટ આચરનાર બે લૂંટારુઓને એલસીબીએ લૂંટના મુદ્દામાલ સાથે બાઈક સહિત ઝડપી લીધા હતાં.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતાં શ્રમિક યુવાનને રાત્રિના સમયે બે અજાણ્યા લૂંટારુઓએ બળજબરીપૂર્વક ચાંદીના દાગીના, મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં લાલપુર પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન લુંટમાં સંડોવાયેલી બેલડી અંગે સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પીઆઈ પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન જામનગર શહેરના ચાંદીબજારમાંથી એલસીબીની ટીમે ધીરુ ઉર્ફે ધીરીયો મનજી સોલંકી દેવીપૂજક (ઉ.વ.35) (રહે. સીક્કા પાટીયા, મુળ જૂનાગઢ), પરેશ ધીરુ મોહન વાઘેલા દેવીપૂજક (ઉ.વ.22) (રહે. ધ્રોલ) નામના બે લૂંટારુઓને દબોચી લઇ તેમની પાસેથી રૂા.3000ની રોકડ રકમ, રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ અને લૂંટેલા ચાંદીના દાગીના, બંગડી નંગ 2, ઝૂમખા નંગ 2 તેમજ લૂંટમાં વપરાયેલ જીજે-27-બીએન-3252 નંબરનું રૂા.40000 નું બાઈક મળી કુલ રૂા.54,800નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ લૂંટારુઓ પૈકીના ધીરુ ઉર્ફે ધીરીયા વિરૂધ્ધ ભાણવડ, સલાયા, લાલપુર, ખંભાળિયા, શેઠવડાળા, પંચ બી પોલીસ સ્ટેશનમાં ત્રણ અને લાલપુરમાં જુદા – જુદા 10 ગુનાઓ નોંધાયેલા છે. એલસીબીએ લૂંટનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.