અમદાવાદના મૂળ રહીશ અને હાલ ભાણવડ ખાતે એક શૈક્ષણિક સંસ્થામાં રહીને ભોજન સંચાલક તરીકે કામ કરતા યુવાને થોડા મહિના અગાઉ અમદાવાદના એક શખ્સ પાસેથી લીધેલા 15નું લાખનું રોજનું રૂ. 20,000 સુધી વ્યાજ ચૂકવ્યા પછી પણ 30 લાખ રૂપિયાની માંગણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ભાણવડ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પોલીસે મુખ્ય આરોપી એવા અમદાવાદના શખ્સ સાથે રાપર – કચ્છના યુવાનને પણ ઝડપી લઇ, અદાલતમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરી દીધા છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે અમદાવાદના પાલડીના મૂળ રહીશ અને ત્યાં ફુડ શોપ ધરાવતા મિલનભાઈ મહાદેવભાઈ સંઘવી નામના 46 વર્ષના યુવાનને જાન્યુઆરી 2024 માસમાં પૈસાની જરૂર હોવાથી તેમના મિત્રએ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર ધ ઓક્સો નામની કાપડની દુકાન ધરાવતા પ્રકાશ રાજપુત નામના શખ્સની ઓળખાણ કરાવી હતી. એક્સપોર્ટના વ્યવસાય માટે મિલનભાઈએ પ્રકાશ રાજપુત પાસેથી રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા. તેનું રોજનું રૂ. 5,000 વ્યાજ તેઓ ચૂકવતા હતા. થોડા દિવસો બાદ તેમને વધુ જરૂર પડતા રૂ. ત્રણ લાખ વ્યાજે લીધા હતા. તેની સિક્યુરિટીમાં તેમણે આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કનો કોરો ચેક આપ્યો હતો. આમ, આઠ લાખ રૂપિયાનું રોજનું 8,000 વ્યાજ પ્રકાશ રાજપુતને ચૂકવવામાં આવતું હતું. ત્યાર બાદ રૂ. બે લાખ લઈ અને કુલ 10 લાખનું રૂ. 10 હજાર વ્યાજ મિલનભાઈ ચૂકવતા હતા. આ પછી પણ તેમને નાણાની જરૂરિયાત હોવાથી પ્રકાશ રાજપૂત પાસે પાંચ લાખની માંગણી કરી હતી. પરંતુ તેનું બમણું વ્યાજ રૂ. 10,000 ચૂકવવા તેમણે કહ્યું હતું.
આમ, 15 લાખ રૂપિયાનું રોજનું 20,000 વ્યાજ સતત પખવાડિયા સુધી ચૂકવ્યા બાદ મિલનભાઈ વ્યાજ ભરી ન શકતા પ્રકાશ રાજપૂતે મોબાઈલ ફોન ઉપર કડક ઉઘરાણી કરી નંબર પ્લેટ વગરની કિયા કારમાં આવી, પૈસાની રકમ માંગતા તેઓ ઘર છોડીને મુંબઈ જતા રહ્યા હતા.
વ્યાજ સહિતની રકમ 25 લાખ થઈ જતા મિલનભાઈએ પ્રકાશ રાજપુતને કહ્યું હતું કે “હમણાં મારી પરિસ્થિતિ સારી નથી. ધંધો બરોબર ચાલતો નથી. છ-બાર મહિનામાં હું પૈસા આપી દઈશ.” તેમ કહી તેમના પત્ની તથા બે જુવાન સંતાનોને સુરત ખાતેના ભાડ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં મોકલી, તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં આવી અને ભોજનાલયના સંચાલક તરીકે કામ કરી, ગુજરાન ચલાવતા હતા.
ગત તારીખ 15 જુલાઈના રોજ મિલનભાઈનો પતો મેળવી, બ્લેક કલરની નંબર પ્લેટ વગરની કિયા કારમાં અજાણ્યા શખ્સ સાથે આવેલા આરોપી પ્રકાશ રાજપુતએ તેમને ધમકી આપી અને “ચાલ ગાડીમાં બેસી જા. તને લઈ જવો છે”- તેમ કહેતા સ્કૂલના સંચાલકને તેમણે ફોન કરીને બોલાવી લીધા હતા. ઉશ્કેરાયેલા પ્રકાશે મિલનભાઈને ગાળો કાઢી માર મારી, “તારે 30 લાખ ક્યારે આપવા છે?”- તેમ કહેતા મિલનભાઈએ કાકલૂદી કરતા શૈક્ષણિક સંકુલના ગૃહપતિ નિલેશભાઈ, સંચાલક ભીમશીભાઈ તેમજ માતા સાજીબેને બે હાથ જોડી, વચ્ચે પડી અને મિલનભાઈને વધુ મારથી બચાવ્યા હતા. ત્યાર પછી આરોપી પ્રકાશ રાજપૂતે ફડાકા ઝીંકી “તારી પાસે હું વ્યાજ સહિત ત્રીસ લાખ રૂપિયા માંગું છું. તે તારે આપવા જ પડશે. નહીં તો હું તને છોડીશ નહીં. જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને અજાણ્યા શખ્સ સાથે બંને ચાલ્યા ગયા હતા.
આમ, રૂ. 15 લાખની મુદ્દલના દરરોજના રૂ. 20,000 સુધીની રકમ લઈને ડરાવી, ધમકાવી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભાણવડ પોલીસમાં નોંધાયેલા આ ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડના પી.એસ.આઈ. સવસેટા તથા સ્ટાફએ તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણના મુખ્ય આરોપી અમદાવાદના રહીશ પ્રકાશ સામત પરમાર અને રાપર – કચ્છના કૃણાલગીરી ગુલાબગીરી ગુસાઈ નામના બંને શખ્સોને દબોચી લીધા હતા. ત્યારબાદ બંનેને પોલીસે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંને આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.