જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ માટે મંગાવ્યો હોવાની જાણના આધારે પોલીસે રેઈડ દરમિયાન દારૂની 50 બોટલો સાથે બે શખ્સોની ધરપકડ કરી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. કાલાવડના કૃષ્ણનગર નજીકથી આદિવાસી ખેતમજૂરને ગ્રામ્ય પોલીસે ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં એસ.ટી. ડેપો પાસેથી શખ્સને દારૂની બે બોટલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં સુરેન્દ્રસિંહ ઉર્ફે ઈલુ ભીખુભા કંચવા નામના શખ્સના મુંગણીમાં આવેલા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હોવાની હેકો અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.એચ. બાર, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, લાલજીભાઈ રાતડિયા સહિતના સ્ટાફે મુંગણીમાં ગામમાં સુરેન્દ્રસિંહના મકાને રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.25000 ની કિંમતની 50 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે સુરેન્દ્રસિંહ અને કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના બે શખ્સોને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.35000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
સીક્કા પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં જામનગરના અર્જુનસિંહ સોઢાની સંડોવણી ખુલ્લી હતી તેમજ સુરેન્દ્રસિંહ વિરૂધ્ધ અગાઉ પણ બે ગુનાઓ સીક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
કાલાવડ તાલુકાના કૃષ્ણનગરથી ધુડશિયા ગામ જવાના કાચા માર્ગ પરથી પસાર થતા જગદીશ મગનિયા ડાવર નામના ખેતમજૂરને કાલાવડ ગ્રામ્ય પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે પાંચ હજારનો મોબાઇલ અને દારૂ મળી કુલ રૂા. 6500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જામનગર શહેરના એસ.ટી. ડેપો રોડ પરથી પસાર થતા ક્રિપાલસિંહ દિલુભા જાડેજા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા ધરપકડ કરી હતી.