ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર કજુરડા ગામેથી ગત રાત્રીના પસાર થઈ રહેલી જીજે-10-બીઆર-6047 નંબરનો એક સ્વીટ મોટરકારને પોલીસે અટકાવી ચેકીંગ કરતાં આ મોટરકારમાંથી બાર બોટલ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં જઈ રહેલા કજુરડા ગામના પેથા નારૂ મશુરા (ઉ.વ. 30) તથા આ જ ગામના માણસી ડાડા વાનરીયા નામના બે શખ્સોની અટકાયત કરી, પુછપરછ કરતા તેઓએ આ ગામ કજુરડા ગામના રબારી પાડામાં આવેલા રાજેશ દેવશીભાઈ મોરીના રહેણાક મકાનમાં છુપાવીને રાખેલી વધુ 54 બોટલ વિદેશી દારૂનો જથ્થો કાઢી આપ્યો હતો.
આથી પોલીસે રૂા. 26,400 ની કિંમતની કુલ 66 બોટલ વિદેશી શરાબ તથા રૂા. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન ઉપર રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂા. 2,36,400 ના મુદ્દામાલ સાથે પેથા મસુરા અને માણસી વાનરીયાની અટકાયત કરી હતી. જ્યારે મકાનમાલિક રાજેશ મોરીને હાલ ફરાર ગણી, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીએસઆઇ એલ.એલ. ગઢવી, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા ખીમાભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.