જામનગર શહેરમાં કાલાવડ બાયપાસ નજીકથી પસાર થતા બાઈક સવાર બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં કાલાવડ બાયપાસ નજીક આવેલી રાધિકા સ્કૂલ પાસેથી પસાર થતા જીજે-10-સીકે-4352 નંબરના બાઈકને પોલીસે આંતરીને તલાસી લેતા સુરેશ ભના સોલંકી, લાલજી ઉર્ફે લાલો રાજેશ ગુજરાતી નામના બે શખ્સો પાસેથી રૂા.6000 ની કિંમતની દારૂની 12 બોટલો મળી આવતા પોલીસે રૂા.25 હજારની કિંમતની બાઈક અને દારૂની બોટલ મળી કુલ રૂા.31,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ભરત માવજી ગુજરાતીની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર ગામમાં આવેલી ઓમકાર સોસાયટીમાં રહેતાં લલિત હીરજી સાદરિયા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ડી એસ વાઢેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.500 ની કિંમતની 2 બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી લલિતની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.