જામનગર શહેરમાં ત્રણ દિવસ પૂર્વે ગેલેકસી ટોકીસના કમ્પાઉન્ડમાં બની રહેલ સ્ટાર ગેલેકસી બિલ્ડીંગના ગોડાઉનમાંથી ઇલેકટ્રીક વાયરોના બંડલોની ચોરી થઇ હતી. આ કેસમાં સીટી-બી પોલીસે બે શખ્સોને નદીના પટ્ટમાંથી ઝડપી લીધાં હતાં અને રૂા.1,65,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં અન્ય બે મહિલાઓના પણ નામ ખુલ્તાં બંન્નેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગેલેકસી ટોકિસના કમ્પાઉન્ડમાં બની રહેલ સ્ટાર ગેલેકસી બિલ્ડીંગના ગોડાઉનમાં પડેલ ઇલેકટ્રીક વાયરોના બંડલોની ચોરી થઇ હતી. તે ઇલેકટ્રીક વાયરના બંડલો અમુક શખ્સો નદીના પટ્ટમાં સળગાવી ઓગાળતા હોવાની સીટી-બીના હેકો.રવિરાજસિંહ જાડેજા, પોેકો.યુવરાજસિંહ જાડેજા તથા હરદિપભાઇ બારડને બાતમી મળી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાની સુચના અને પીઆઇ કે.જે.ભોયે તથાપીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ સાગઠીયા, મનહરસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર દ્વારા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન નદીના પટ્ટમાંથી રોહિત રવજી સોલંકી, અજય મુકેશ પરમાર નામના બે શખ્સોને ઇલેકટ્રીક વાયરના બંડલો સળગાવી તેમાંથી નિકળેલ તાંબાના વાયરના 50 નંગ બંડલ કિંમત રૂા.1,65,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બંન્ને શખ્સો દ્વારા પુછપરછ દરમ્યાન બે મહિલાઓ સાથે મળી જામનગર પીડબ્લ્યુડી ઓફિસ પાસે આવેલ સ્ટાર ગેલેકસી બિલ્ડીંગની દુકાન(ગોડાઉન)માંથી 50 નંગ ઇલેકટ્રીક વાયરના બંડલ ચોરી કરી આ બંડલો સળગાવી તેમાંથી તાંબાના વાયર કાઢતા હોવાની કેફીયત આપી હતી. પોલીસ દ્વારા બંન્ને મહિલાઓને ઝડપી લેતાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.